
સુરેન્દ્રનગર, 21 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ની ટીમ દ્વારા ‘બાળ અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ‘બેટી બચાવો બેટી પઢાઓ’ યોજના અંતર્ગત રતનપર સ્થિત મહાત્મા ગાંધી શાળા નંબર 10 ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમના અધિકારો અને સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડિનેટર જલ્પા ચંદેશરા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ‘બાળ અધિકાર દિવસ’ ના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. તેમણે બાળકોને મળેલા બંધારણીય અધિકારો, શિક્ષણનો અધિકાર અને તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, બાળકોને જાગૃત કર્યા હતા.
બાળ સુરક્ષા એકમમાંથી ઉપસ્થિત રહેલા મીનલ દ્વારા બાળકોની સુરક્ષાને લગતા અત્યંત સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને ‘ગુડ ટચ અને બેડ ટચ’ વચ્ચેનો ભેદ સરળ ભાષામાં સમજાવ્યો હતો. સાથે જ, તેમણે ‘પોકસો એક્ટ’ (POCSO Act) અંગે કાયદાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ મુસીબતના સમયે બાળકોએ કોનો સંપર્ક કરવો અને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી.
આ પ્રસંગે શાળાના આચાર્ય હરેશ જાદવ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. તેમણે શાળા પરિવાર વતી આયોજકોનો આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓને મળેલા માર્ગદર્શનને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના અંતમાં, એક સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને ‘નશામુક્ત ભારત’ અભિયાન અંતર્ગત નશામુક્તિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આમ, બાળ અધિકાર દિવસ નિમિત્તે બાળકોમાં જાગૃતિ લાવવાનો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ