
અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં હાલમાં કપાસની બમ્પર આવક નોંધાઈ રહી છે, જેના કારણે જિલ્લામાં ખેતીક્ષેત્રે ખુશીની લહેર જોવા મળી રહી છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા સહિતના મુખ્ય માર્કેટયાર્ડોમાં કપાસની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો હોવાથી અહીંના ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. હાલ માર્કેટયાર્ડોમાં બંને પેદાશોની આવક ચાલી રહી છે, પરંતુ ખાસ કરીને કપાસની ભરી આવક ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી રહી છે.
જિલ્લાના મોટા માર્કેટયાર્ડોમાં સરેરાશ 50,000 મણ જેટલી કપાસની આવક રોજ નોંધાઈ રહી છે. ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા તેઓ સંતોષ અનુભવી રહ્યા છે. હાલ ગુણવત્તાવાળા કપાસના ભાવ રૂ. 1000 થી રૂ. 1500 રૂપિયા સુધી મળી રહ્યા છે, જ્યારે કમોસમી માવઠાથી અસર થયેલા અને પલ્લી ગયેલા કપાસના ભાવ રૂ. 800 થી રૂ. 900 સુધી મળી રહ્યા છે. એકંદરે બજારમાં સ્થિરતા સાથે સારો ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળે છે.
સાવરકુંડલા માર્કેટ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આ સિઝનમાં જિલ્લાની મોટા ભાગની માર્કેટયાર્ડોમાં કપાસની ઉત્તમ આવક થઈ રહી છે. અમરેલી, બાબરા અને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મળીને સરેરાશ 50,000 મણ કરતાં વધુ કપાસની આવક નોંધાઈ રહી છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. ગુણવત્તાવાળા કપાસને ઊંચો ભાવ મળી રહ્યો છે અને ખેડૂતને તેમની મહેનતનો યોગ્ય મૂલ્યપ્રતિસાદ મળી રહ્યો છે.”
કપાસની આ સારા ભાવ અને મજબૂત આવકના કારણે ખેડૂતોમાં નવા સિઝન માટે વિશ્વાસ અને જોશમાં વધારો થયો છે. આમ, અમરેલી જિલ્લામાં હાલ ખેતીક્ષેત્રે ઉત્સાહભર્યું વાતાવરણ છવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai