
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : હારીજ નગરના નાગરિક બેંક રોડ, ગુંદી વાળો ખાંચો અને અન્ય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ જતાં ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ રહ્યું છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી નગરના અનેક વિસ્તારોમાં આ સમસ્યા નિયમિતપણે ઊભી થનાર હોવાથી નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે.
હાલમાં મુખ્ય બજાર વિસ્તારમાં નાગરિક બેંક તરફ જતો રસ્તો, ગુંદી વાળો ખાંચો અને ઝાપટપુરા સહિત અનેક જગ્યાઓએ ગટર ઉભરાવાની ઘટનાઓ બની રહી છે. નગરપાલિકા એક જગ્યાએ સમારકામ કરે છે ત્યાં બીજી જગ્યાએ સમસ્યા ઉભી થવાથી ગટર વ્યવસ્થાની મર્યાદાઓ સ્પષ્ટ થઈ રહી છે.
નગરજનો માંગ કરી રહ્યા છે કે હારીજ નગરમાં નવી ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી આ લાંબા સમયથી ચાલતી પરેશાનીઓનો કાયમી ઉકેલ મળી શકે અને નાગરિકોને સ્વચ્છ તથા સુરક્ષિત પર્યાવરણ મળી રહે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ