

પાટણ, 21 નવેમ્બર (હિ.સ.)સરસ્વતી તાલુકામાં કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, જુવાર જેવા પાકોને તેમજ ઘાસચારાને ભારે નુકસાન થવાથી ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલન આધારિત આ તાલુકામાં ઘાસચારો બગડતા પશુધનનું નિર્વાહ કરવું કઠિન બન્યું છે.
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા ભટસણ, મુના, અજુજ, કોઈટા અને વાયડ સહિતના ગામોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે. ભાજપ અગ્રણી પ્રહલાદજી ઠાકોરે સંકલન બેઠકમાં તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની મૌખિક રજૂઆત કરી હતી, જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ મોદીએ ટૂંક સમયમાં આ બાબતે લેખિત રજૂઆત કરવાની વાત કહી.
મુના ગામના કાર્યકર નરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે આસપાસના ગામોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને સરકાર દ્વારા સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ