
સોમનાથ,21 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ''જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ બેઠકમાં અરજદારોએ સરકારી ખરાબો/ગૌચર તથા નવા-જૂના ગામતળ પર આવેલ દબાણ તેમજ જૂના ગામતળમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા, અરજદારની માલિકીની જમીનમાં દબાણ દૂર કરવા બાબત, જમીન ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ કરવા, પી.એચ.સી.કામ નબળી ગુણવતા વાળુ થયું હોય તે સહિતના પ્રશ્નો રજૂ કરાયાં હતાં.
કલેક્ટરએ અરજદારોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી સંલગ્ન વિભાગના અધિકારીઓને કેટલાંક સૂચનો આપીને નાગરિકલક્ષી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. આ સાથે જ જ્યાં જરૂર જણાય ત્યાં વિભાગોનું અરસ-પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે પ્રકારે કામગીરી કરવા લગતા અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વ ડી.પી.ચૌહાણ અને અજય શામળા, માર્ગ અને મકાન (રાજય અને પંચાયત), આરોગ્ય વિભાગ, જેટકો સહિત વિવિધ કચેરીઓના કાર્યપાલક ઇજનેરઓ, તાલુકા મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ