
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના કાજીવાડા પમ્પિંગ સ્ટેશન ખાતે 5 લાખ લીટરના નવા અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાં નિર્માણથી વોર્ડ નંબર 8, 9 અને 10ના રહીશોને ઓછા પાણીના પ્રેશરની સમસ્યાથી રાહત મળશે. પહેલાંના નાનાં સંપને કારણે ઓછું દબાણ રહેતું હતું જેને કારણે સ્થાનિક રહીશો અને કોર્પોરેટરો નવા સંપની માંગ કરી રહ્યા હતા.
આ માંગણીને અનુરૂપ પાટણ નગરપાલિકાએ 15મા નાણાપંચ વર્ષ 2022-23ની ગ્રાન્ટમાંથી વધારાનો 5 લાખ લીટર ક્ષમતાવાળો અંડરગ્રાઉન્ડ સંપ બનાવવા મંજૂરી આપી. નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે શાસ્ત્રોક્ત વિધીથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વોટર વર્કસ શાખા તથા વોર્ડના કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે નવા સંપથી કાજીવાડા ટાંકી પરથી મોટા વિસ્તારોમાં પૂરતા દબાણ સાથે પીવાનું પાણી પૂરુ પાડવામાં સહાય મળશે અને પાણીની તંગી મોટાભાગે ઘટી જશે. દીબાજ ગ્રુપના ચેરમેન ઉંમરખાન રાઉમાએ આ પ્રોજેક્ટને ત્રણેય વોર્ડ માટે મહત્વપૂર્ણ ગણાવી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ