

સુરત, 21 નવેમ્બર (હિ.સ.)-સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યસેવાઓને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા સાંસદ મુકેશભાઈ દલાલની ગ્રાન્ટ હેઠળ પ્રથમ આધુનિક સુવિધાયુક્ત 'સ્ટ્રેચર ઓન ઈ-વ્હીકલ' વેન અર્પણ કરવામાં આવી હતી. આ ઈલેક્ટ્રિક વેનને સાંસદ મુકેશભાઈ દલાલે ફ્લેગ ઓફ આપી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી.
સાંસદ મુકેશભાઈ દલાલની ગ્રાન્ટ હેઠળ બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક કારમાં દર્દીઓના ત્રણ સગા-સંબંધીઓ બેસી શકે તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લાવવા લઈ જવા માટે સ્ટ્રેચરને બદલે ઇલેક્ટ્રિક કારમાં ઝડપી અને સલામત રીતે લઈ જવાશે. દર્દીઓને ઈ-વ્હીકલ સ્ટ્રેચર વેન મળવાથી પરિવહન દરમિયાન વધુ સુરક્ષિત, આરામ અને સુગમતા પ્રદાન થશે. આ સુવિધા શરૂ થતા ઇમરજન્સી વિભાગ તેમજ અન્ય વોર્ડોમાં દર્દી પરિવહન વધુ કાર્યક્ષમ બની રહેશે.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, મેડીકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સ્ટેફ્રી મેકવાન, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા સહિતના હેટ નર્સ, સ્ટાફ નર્સ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે