


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે તમામ રોડ–રસ્તાઓનો સર્વે કરી તાત્કાલિક મરામત કાર્ય પૂર્ણ કરવા સૂચના સંબંધિત વિભાગોને આપી હતી.
ઇન્ચાર્જ કલેકટરએ પાક નુકસાનની અરજીઓ અને ફરિયાદોની સમીક્ષા કરી સમયમર્યાદામાં તમામ લોકોના ફોર્મ ભરાય જાય તે સુનિશ્ચિત કરવા તેમજ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ તમામ અધિકારીઓ વધુ જાગૃત બને અને કામગીરી વધુ વેગવંતી થાય તેમજ શનિ -રવિ દરમ્યાન યોજાનાર વિશેષ કેમ્પમાં પણ સહભાગી થવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમણે વિકાસલક્ષી કાર્યોની ગતિ વધારે તેજ બનવાથી કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન મંત્રી, સાંસદ અને ધારાસભ્યઓ દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્નોનું પ્રાથમિકતાપૂર્વક નિરાકરણ થાય તે દિશામાં ચર્ચા થઈ હતી. ઉપરાંત, આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓનો નિકાલ, સરકારી લેણાની વસૂલાત, આરટીઆઈ અરજીઓનો નિકાલ, રેકોર્ડ ચકાસણી, તુમાર સેન્સસની માહિતી તથા કર્મચારીઓના પેન્શન કેસોની સમીક્ષા જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા, ડીવાયએસપી સુરજીત મહેડુ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya