
સુરેન્દ્રનગર, 21 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોના વિકાસકામોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોની અદ્યતન સૂચી તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી વિકાસના આયોજનમાં સરળતા રહે.
આ બેઠકમાં જિલ્લાના અનેક ધાર્મિક અને પર્યટન સ્થળોના વિકાસ માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.
જેમાં મુખ્યત્વે યાત્રાધામ ચોટીલા મંદિર આસપાસ પરિક્રમા માર્ગ તૈયાર કરવો, ઝરિયા મહાદેવ મંદિર, મહર્ષિ તેજાનંદ યાત્રાધામ, સ્વામિનારાયણ મંદિર લોયાધામ, ઐતિહાસિક હામપુર વાવ, નારીચણા, હેમતીર્થ તથા દસાડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી સફારી પાર્ક જેવા સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, યાત્રાધામ વિકાસના ભાગરૂપે સાયલા લાલજી મહારાજની જગ્યા અને ધામા શક્તિમાતા મંદિરનો સર્વાંગી વિકાસ કરવા અંગે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા અને જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન યાત્રાધામ સ્થળોના વિકાસ માટે મળેલી નવી દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લા સંશોધન અધિકારી અલ્પેશ પટેલે તમામ અધિકારીઓને તાકીદ કરી હતી કે, જિલ્લાના અન્ય કોઈ પણ ધાર્મિક કે પૌરાણિક સ્થળો કે જેનો વિકાસ કરવો અનિવાર્ય હોય, તેવા સ્થળોની વિગતવાર દરખાસ્ત નિયત નમુનામાં સત્વરે રજૂ કરવી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ