


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) કારી તાલુકા પુસ્તકાલય, ઊંઝા ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, બહેનો અને પુસ્તકપ્રેમીઓમાં વાંચન પ્રત્યેની રસજાગૃતિ વધારવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત વિવિધ વિષયોના પુસ્તકોના વિશાળ પુસ્તક પ્રદર્શન થી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક મુલાકાત લીધી. ઉપરાંત બહેનો માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઊંઝા મહિલા બી.એડ. કોલેજની તાલીમાર્થી વિદ્યાર્થિનીઓએ ઊમળકાભેર ભાગ લીધો. બાળકો માટે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી, જેમાં એમ.આર.એસ. હાઈસ્કૂલ સહિતના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દર્શાવી સુંદર ચિત્રો બનાવી પ્રેક્ષકોની દાદ મેળવી.
આ પ્રસંગે નિવૃત્ત મદદનીશ ગ્રંથાલય નિયામક જે.એસ. રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો ઉપયોગ વધારવા પ્રેરક માર્ગદર્શન આપ્યું. સાથે કોલેજના અધ્યાપકો અને શિક્ષકો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી રહ્યા.
આ રીતે ઊંઝા તાલુકા પુસ્તકાલય દ્વારા આયોજિત આ સાતદિવસીય કાર્યક્રમોએ બાળકો અને યુવાનોમાં વાંચન, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક રસને સુંદર રીતે પ્રોત્સાહિત કર્યા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR