
અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનો દિવસ નોંધાયો છે. જિલ્લામાં કુલ 79 ગણિત-વિજ્ઞાન વિષયના વિદ્યા સહાયક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કાયમી નિમણૂક આપવામાં આવી છે. જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ વેગ આપવા અને વિદ્યાર્થીઓને વિષયવાર સશક્ત માર્ગદર્શન મળી રહે તે હેતુસર આ નિમણૂકો કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં નવા પસંદ થયેલ શિક્ષકોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન ડેલીગેટ ભીખાભાઈ ધોરાજીયા, ડી.ઈ.ઓ એમ.બી. ગોહિલ, ઈન્ચાર્જ ટી.પી.ઈ.ઓ જી.એમ. સોલંકી, ડાયેટ પ્રાચાર્ય કાર્તિક વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રમુખ–અમરેલી મકવાણા, જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ–અમરેલી રજનીભાઈ મકવાણા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી રસિકભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ગણિત અને વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોમાં કુશળ શિક્ષકોની નિમણૂકથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ગુણોત્તર વધી શકશે. ગ્રામ્ય વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું અમારું મુખ્ય ધ્યેય છે.”
નવા નિમણૂક મેળવનાર શિક્ષકોમાં ખુશીની લાગણી વ્યકત થઈ હતી. ઘણા શિક્ષકોએ જણાવ્યું કે સરકાર દ્વારા મળેલી આ તક તેમના માટે જવાબદારી અને ગૌરવની લાગણી સાથે નવી શરૂઆત સમાન છે. જિલ્લાના શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના અભ્યાસને વધુ પ્રાયોગિક, રસપ્રદ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે શિક્ષકો પોતાના કાર્યની શરૂઆત કરશે.
આ નિમણૂકો દ્વારા જિલ્લાની શિક્ષણવ્યવસ્થામાં નવી ઉર્જા સંચારિત થઈ હોવાનું શિક્ષણવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai