
ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ, શહેરના ૩ સેક્ટરોમાં ડામર રોડ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો ઉદ્દેશ્ય હાલના માર્ગોની ગુણવત્તા સુધારવાનો અને નાગરિકો માટે સુગમ પરિવહનની સુવિધા પૂરી પાડવાનો છે. આજના દિવસે સેક્ટર-૩, સેક્ટર-૬, અને સેક્ટર-૧૩ માં રોડ પર ડામર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ત્રણ સેક્ટરમાં કુલ મળીને ૮૬૫ મીટર ની લંબાઈના રસ્તાઓ પર કામગીરી આજરોજ હાથ ધરાઈ, જેના માટે કુલ ૩૧૮.૮૪ ટન ડામર મિશ્રણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેક્ટર-૩ માં ૨૫૫ મીટર લાંબા માર્ગનું કામ કરવામાં આવ્યું, જેમાં ૧૦૬.૬૭ ટન ડામર વપરાયો. જ્યારે સેક્ટર-૬ માં સૌથી વધુ ૩૮૫ મીટરની લંબાઈના માર્ગનું નવીનીકરણ ૧૬૧.૧૭ ટન ડામર સાથે હાથ ધરાયું. આ ઉપરાંત, સેક્ટર-૧૩ માં પણ ૨૨૫ મીટરના રોડની કામગીરી હાથ ધરાઈ જે માટે ૫૧ ટન ડામરનો ઉપયોગ કરાયો.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આંતરિક માર્ગોને ઝડપથી અને ગુણવત્તાપૂર્વક સુધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. મહાનગરપાલિકા બાકી રહેલી રોડ જાળવણીની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ