
- પુત્રની સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી હતી
ગોધરા, 21 નવેમ્બર (હિ.સ.) ગોધરાના રહેણાંક મકાનમાં રાત્રે સૂતેલો દોશી પરિવાર સવારે જાગી જ ન શક્યો,આગમાં પરિવારના 4નાં મોત થયા. ગોધરાના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં 21 નવેમ્બર વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં 'શરણાઈ'ના સૂર રેલાય તે પહેલાં જ એક હસતાં-ખેલતાં પરિવારના ચાર સભ્યના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે.
આ કરુણ દુર્ઘટનામાં દોશી પરિવારના ચાર સભ્યનું મોત થયા તેમાં કમલભાઈ દોશી- પિતા અને જ્વેલર્સના માલિક,દેવલબેન દોશી - માતા,દેવ કમલભાઈ દોશી,જેની સગાઈ હતી તે યુવાન પુત્ર,રાજ કમલભાઈ દોશી- નાનો પુત્ર.
બામરોલી રોડ પર અંકુર સોસાયટીની બાજુમાં આવેલા ગંગોત્રી નગરમાં રહેતો અને શહેરમાં જાણીતા 'વર્ધમાન જ્વેલર્સ'ના વ્યવસાય સાથે સંકળાયેલો કમલભાઈ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો. આજે સવારે જ તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થવાનો હતો.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે, ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું. જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો. ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટનાસ્થળે જ ગૂંગળાઈને કરૂણ મોત નિપજ્યાં.
સવારે જ્યારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ અને ફાયર વિભાગને બોલાવાયું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ અંદર ગયેલા તમામ સભ્યના મૃતદેહ જ બહાર કાઢી શકાયા.
આજે જે ઘરમાંથી દીકરાએ વરરાજા બનીને સગાઈ માટે નીકળવાનું હતું, તે જ ઘરમાંથી એકસાથે ચાર-ચાર લોકો જીવતા હોમાતાં જોઇને પથ્થર દિલ માણસ પણ રડી પડ્યા હતા. આ બનાવના કારણે માત્ર ગંગોત્રી નગર જ નહીં, પરંતુ સમગ્ર વેપારી આલમમાં ઘેરો શોક છવાઈ ગયો છે. વાપીમાં જ્યાં સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં વેવાઈ પક્ષ પર પણ આ સમાચાર વજ્રઘાત સમાન સાબિત થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ