
સુરત, 21 નવેમ્બર (હિ.સ.) : દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વરાછા વિધાનસભા વિસ્તારની 'સરદાર @ 150 યુનિટી માર્ચ' પદયાત્રાને મીનીબજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા ખાતેથી સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય કુમાર કનાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
સુરત મહાનગર પાલિકા અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરદાર પ્રતિમા મીનીબજાર થી સરથાણા નેચર પાર્ક સુધીની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી. સરદાર પ્રતિમા મીનીબજાર થી સરથાણા નેચર પાર્ક સુધીમાં વિવિધ સ્થળો પર એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
વરાછા વિધાનસભામાં યોજાયેલી યુનિટી માર્ચ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે સમગ્ર દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમજ શહેરોથી ગામડાંઓ સુધી રાષ્ટ્રીય એકતા અને સંકલ્પનો માહોલ સર્જાયો છે. આ જ ઉજાસ વચ્ચે વરાછા વિધાનસભામાં પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
મેયરએ વધુમાં જણાવ્યું કે, “સરદાર વલ્લભભાઈ પટેલ એવા મહાન રાષ્ટ્રપુરુષ હતા, જેમનું વ્યક્તિત્વ અને કાર્ય શબ્દોમાં સમાવી શકાય તેમ નથી. સરદાર સાહેબના ત્યાગ, શિસ્ત, નિષ્ઠા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા આજે પણ દેશના દરેક નાગરિક માટે પ્રેરણાસ્ત્રોત છે. યુનિટી માર્ચ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સરદાર સાહેબના બલિદાનને વંદન કરી રાષ્ટ્રીય એકતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવવાનો અવસર છે.
યુનિટી માર્ચ પ્રસંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, “ભારતને આઝાદી અપાવવાની લડતમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આ મહાન યજ્ઞમાં મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિઝનરી નેતાઓનું યોગદાન અવિસ્મરણીય છે. દેશ આઝાદ થયા બાદ ૫૬૨ રજવાડાંને એકત્રીત કરીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું કાર્ય જો કોઈએ ભગીરથ પ્રયત્નોથી સફળ બનાવ્યું હોય તો તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે. રાષ્ટ્રની એકતા માટે કરેલું તેમનું અવિરત પરાક્રમ આજે પણ દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે.” તેમણે ઉમેર્યું કે, “સરકાર દ્વારા નિર્મિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર સાહેબના મહાન જીવનચરિત્ર અને રાષ્ટ્રને આપેલા અપરંપાર યોગદાનનું શાશ્વત પ્રતીક છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી સરદાર સાહેબને નમન કરે છે, જે આપણી રાષ્ટ્રીય ગૌરવગાથાનો અવિભાજ્ય ભાગ બની ગયું છે.”
આ પ્રસંગે અગ્રણી કાનજી ભાલાળા, અગ્રણી માધુભાઈ, કોપોરેટરઓ, હિરા ઉદ્યોગના અગ્રણીઓ, ડે.મ્યુ.કમિશનર તથા પાલિકા અધિકારીઓ પદાધિકારી સહિત શહેરજનો યાત્રામાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે