
સુરત, 21 નવેમ્બર (હિ.સ.)-ભારતના ચૂંટણી પંચના તા.1 લી જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા.4/11/2025 થી તા.04/12/2025 નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે જઇ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરી પરત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ દરમિયાન મુખ્યનિર્વાચન અધિકારી, ગાંધીનગરની સુચના મુજબ તા.22/11/25 (શનિવાર) અને તા.23/11/2025 (રવિવાર)ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું છે. આ બન્ને દિવસોએ સુરત જિલ્લાના તમામ બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે 9.00 કલાકથી સાંજે 5.00 વાગ્યા સુધી હાજર રહેશે. આ દિવસોએ જે મતદારોએ તેમનું ગણતરી ફોર્મ મેળવવા કે પરત આપવાનું બાકી હોય તેઓએ સત્વરે સંબંધિત મતદાન મથકની મુલાકાત લઇ બી.એલ.ઓ પાસે પોતાના ગણતરી ફોર્મની વિગતો ભરી પરત કરી શક્શે. મતદારો આ સમય દરમિયાન BLOની મદદથી મેપિંગ-લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારોનું નામ અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં ક્યાં પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. જેથી મતદારોએ બન્ને દિવસોમાં ખાસ ઝુંબેશનો લાભ લેવા સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે