રમશે ગુજરાત, ભણશે ગુજરાત…પણ હાથસણી સીમશાળાના વિધાર્થીઓ માટે ભણતર બની ગયું સંઘર્ષમય
- ગંદા પાણી વેરાન વિસ્તાર અને વન્યપ્રાણીઓના ભય વચ્ચે 5 કિમી ચાલીને સ્કૂલે પહોંચવાની મજબૂરી અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે “રમશે ગુજરાત”, “ભણશે ગુજરાત”, “ખેલે ગુજરાત” જેવા નવનવા સ્લોગન લોન્ચ કરવામાં આવે છે. પરંતુ અમરેલી
રમશે ગુજરાત, ભણશે ગુજરાત”…પણ હાથસણી સીમશાળાના વિધાર્થીઓ માટે ભણતર બની ગયું સંઘર્ષમય; ગંદા પાણી, વેરાન વિસ્તાર અને વન્યપ્રાણીઓના ભય વચ્ચે 5 કિમી ચાલીને સ્કૂલે પહોંચવાની મજબૂરી


- ગંદા પાણી વેરાન વિસ્તાર અને વન્યપ્રાણીઓના ભય વચ્ચે 5 કિમી ચાલીને સ્કૂલે પહોંચવાની મજબૂરી

અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે “રમશે ગુજરાત”, “ભણશે ગુજરાત”, “ખેલે ગુજરાત” જેવા નવનવા સ્લોગન લોન્ચ કરવામાં આવે છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલી હાથસણી સીમશાળાના વિધાર્થીઓ માટે આ સ્લોગન માત્ર કાગળ વચન જેવાં જ લાગે છે. કારણ કે અહીંના વિદ્યાર્થીઓ પાસે ભણવા જવા માટેનો સૌથી મોટો પ્રશ્ન “સ્કૂલ પહોચવા સુધીનો માર્ગ” છે. આ પરિસ્થિતિ માત્ર તકલીફદાયક જ નહીં પણ જોખમી પણ છે.

હાથસણી સીમશાળા બાલ વાટિકાથી લઈને ધોરણ 7 સુધીના બાળકોને શિક્ષણ આપે છે. લગભગ 50 જેટલા વિધાર્થીઓ હાથસણી અને આસપાસના વાડી વિસ્તારમાંથી અહીં ભણે છે. ગ્રામ્ય, વાડી વિસ્તારના ખેડૂતો-મજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર સરકાર દ્વારા આ સીમશાળાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ અહીંના બાળકોને શાળાએ જવા માટે જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તે જોઈને સરકારના વચન અને હકીકત વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાય છે.

શાળાએ જવા માટે બાળકોને ગંદા પાણીના નિહાળ, કાદવ-કિચડ, ભેજ અને નદીના વોકળામાંથી પસાર થવું પડે છે. વરસાદી સિઝનમાં તો આ મુશ્કેલી વધી જાય છે. રસ્તો નથી, વોકળા ઊંડા છે અને પાણીમાં ગટરના ગંદા પાણીના વહેણ ઉમેરાતા બાળકો માટે સ્કૂલે જવાનો માર્ગ જોખમ બની જાય છે. 4 થી 5 કિલોમીટરનું અંતર બાળકો પગપાળા કાપે છે. અનેક બાળકોના પગમાં ઈજા, ચામડીની સમસ્યા અને ભયજન્ય સ્ટ્રેસ જેવી સમસ્યાઓ ઉભી થઈ રહી છે.

આ વિસ્તાર જંગલની નજીક હોવાથી સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓનો પણ મોટો ભય છે. સંકીડો, ગીચ ઝાંખરાવાળો રસ્તો પસાર કરતાં બાળકો ભયભીત થઈ જાય છે. શાળાના શિક્ષકો ઘણીવાર શાળા છૂટે ત્યારે બાળકોને કાર કે બાઇકમાં બેસાડી સુરક્ષિત રીતે ઘરે છોડવાની મજબૂરી અનુભવે છે. પરંતુ દરેક દિવસ, દરેક બેચ અને દરેક બાળકને વાહન ઉપલબ્ધ કરાવવું શક્ય નથી.

વિદ્યાર્થીઓએ પોતાનો વ્યથા-વાંધો રજૂ કરતાં જણાવ્યું કે તેઓ ક્યારેક પાણીના વહેણ સાથે લટપટ થઈને પસાર થવું પડે છે, ક્યારેક કાદવમાં પગ ધસાઈ જાય છે, તો ક્યારેક જંગલ વિસ્તારમાં સંભળાતા અવાજોથી ડરીને એકબીજાનું હાથ પકડીને સ્કૂલે પહોંચે છે.

શિક્ષણ વિભાગના ટી.પી.ઓ. જે.કે. સરવૈયાએ પણ આ પરિસ્થિતિને સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે રસ્તો નથી, અને આ બાબતે હવે આર.એન્ડ બી. વિભાગ અને તાલુકા પંચાયતના એસ.ઓ. મારફતે તપાસ કરાવી જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવશે. પરંતુ પ્રશ્ન એ છે કે “આટલા વર્ષો સુધી આ સીમશાળાના બાળકોની પરિસ્થિતિ પર ધ્યાન કેમ ન આપાયું?”

સરકાર “ભણશે ગુજરાત”નો નારો આપે છે, પરંતુ હાથસણી જેવી સીમશાળાના બાળકો આ સ્લોગનથી વંચિત છે. નદીના ગંદા પાણીમાં પગ ડુબાડીને સ્કૂલે જવાની મજબૂરી વચ્ચે આ બાળકો ભણતા તો છે—પણ ભય, જોખમ અને તકલીફની વચ્ચે.

આ સીમશાળાના વિદ્યાર્થીઓનું એક જ માંગણું છે “અમને સુરક્ષિત રસ્તો આપો… જેથી અમે પણ સાચે અર્થમાં ભણીએ, રમીએ અને આગળ વધીએ.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande