
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) શહેરના મહીધરપુરા દિલ્હી ગેટ પાસે આવેલ બળીયાદેવ મહારાજના મંદિર અને ગુગાવીર મહારાજના મંદિરને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું. મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરો બંને મંદિરમાંથી ચાંદીના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે મંદિર પાસે રહેતા નિવૃત્ત વ્યક્તિએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે 1.12 લાખની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં છેલ્લા દોઢ બે મહિનાથી અજાણ્યા ચોર ઈસમો અલગ અલગ મંદિરમાં ચોરીને અંજામ આવી રહ્યા છે. તસ્કરો હવે ભગવાનના મંદિરને પણ ચોરીમાંથી બાકાત રાખતા નથી. મહિધરપુરા દિલ્હી ગેટ પાસે હરીજનવાસમાં આવેલ બળીયાદેવ મહારાજના મંદિર અને ગુગાવીર મહારાજના મંદિરને પણ નિશાન બનાવ્યું હતું. ગત તારીખ 3/12/2024 થી 19/11/2025 નો સમય ગાળાની અંદર કોઈ અજાણ્યા ઓર ઈસમોએ બળીયાદેવ મહારાજના મંદિરમાં રહેલ લાકડાની દાન પેટીમાં મુકેલા ચાંદીના મુગટ, ચાંદીની આરતીનું દીવેટિયું તથા ચાંદીના બે કોડીયા લોકોએ બાધાના મુકેલા ચાંદીના ઘોડા તથા ચાંદીના બે મકાનો અને ભગવાન ગુગાવીર ની સમાધિ પર ચડાવેલ ચાંદીની છતર મળી કુલ રૂપિયા 1.12 લાખના દાગીના ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેથી આખરે હરીજનવાસ માં રહેતા 74 વર્ષીય સંતુભાઈ કિશનભાઇ સુરતીએ આ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે રૂપિયા 1.12 લાખનો ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે