


પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) પોરબંદર તાલુકાના રાતીયા ગામે 3 દિવસ પૂર્વે ખેતરના વાવેતર મુદ્દે બે શખ્સોએ એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈ હુમલો કરનાર બંને આરોપીની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોરબંદર તાલુકાના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાતીયા ગામે સહકારી મંડળીની જમીનમાં વાવેતરના મુદ્દે મારામારીની ઘટના બની હતી.
માધવપુર પોલીસ સ્ટેશનમાં મૃતક દેવશીભાઈના ભાઈ મ્યાજરભાઈએ આરોપી પરબત તથા કારા મોરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ રાતીયા ગામે આવેલ સામુહિક સહકારી મંડળીના પરબત નાથાભાઈ ઓડેદરા તથા કારા પરબત મોરી સભ્ય ન હોવા છતાં મંડળીની જમીનમાં વાવેતર કરવા પહોંચ્યા હતા. જે બાદ મંડળીના પ્રમુખ મ્યાજરભાઈ કેશવાલાના ભાઈ દેવશીભાઈ કેશવાલાએ બંને આરોપીઓને ખેતરમાં વાવેતર કરવાની ના પાડી હતી છતાં આ બંને આરોપીઓએ ખાર રાખી ભૂંડી ગાળો આપી લોખંડના પાઈપ વડે દેવશીભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવશીભાઈને માથાના ભાગે કપાળના ભાગે તેમજ હાથ અને પીઠના ભાગે ગંભીરઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત દેવશીભાઈ કેશવાલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દેવશીભાઈનું અવસાન થતા આ ઘટના હત્યામાં પરિવર્તિત થઈ હતી. આ બંને આરોપીઓ વિરુદ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બન્ને આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya