



અમદાવાદ, 22 નવેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. ‘વાંચે ગુજરાત 2.0’ની થીમ સાથે યોજાયેલા આ સાહિત્યિક મહાકુંભમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી.
બુક ફેસ્ટિવલના સ્થળે, મંત્રીએ હસ્તાક્ષર દીવાલ (સિગ્નેચર વોલ) પર પોતાનો વિશેષ પ્રતિભાવ લખ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા તેમણે કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદની તૈયારીઓને બિરદાવી હતી.
તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કે: કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે, સુસ્વાગતમ.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુક ફેરના વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પુસ્તકો પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાઓના બાળકો સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો અને તેમને વાંચનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો સાથેના આ સંવાદે મહોત્સવમાં એક ઉષ્માભર્યો માહોલ સર્જ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), નેશનલ બુક ટ્રસ્ટ (NBT) ઈન્ડિયા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સંયુક્ત આયોજન હેઠળ 13 થી 23 નવેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આ 11-દિવસીય મહોત્સવ યોજાઈ રહ્યો છે. લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલ આ ફેસ્ટિવલમાં દેશભરના પ્રકાશકોના 300 થી વધુ સ્ટોલ્સ છે અને બાળકોથી લઈને વૈશ્વિક વિચારકો માટે 3 વિશિષ્ટ ઝોન બનાવવામાં આવ્યા છે.
નિ:શુલ્ક પ્રવેશ સાથે દરરોજ સવારે 11 થી રાત્રે 9 સુધી ચાલતા આ મહોત્સવમાં પુસ્તકોની ખરીદી, વર્કશોપ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને બૌદ્ધિક ચર્ચાઓનું સંકલન કરીને અમદાવાદને વૈશ્વિક નકશામાં સાહિત્યને વિશેષ સ્થાન અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ બુક ફેસ્ટિવલનું ઉદ્ઘાટન 13 નવેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં થયું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, મેયર પ્રતિભા બહેન જૈન, સ્થાનિક ધારાસભ્યઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ