
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) સમી તાલુકાના બાબરી ગામે પાક નુકસાની સહાયના ઓનલાઈન ફોર્મ ભરાવવા માટે ખેડૂતો પાસેથી ₹100 વસૂલવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ગામના VCE પર દરેક ફોર્મ દીઠ ચાર્જ લેવા અંગે આ આરોપો થયા છે, જ્યારે પંચાયત વિભાગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે કોઈ પણ પ્રકારની રકમ લેવી નહીં.
ભારે વરસાદને કારણે પાટણ જિલ્લામાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થતાં સરકારે સહાય માટે સર્વે અને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. VCE કમ્પ્યુટર ઓપરેટરોને આ પ્રક્રિયામાં ખેડૂતોને નિઃશુલ્ક સેવા આપવા સૂચવવામાં આવ્યું હતું, છતાં બાબરી ગામે રકમ ઉઘરાવાઈ રહી હોવાના ખેડૂતોએ જ નિવેદનો આપ્યા છે.
આ આક્ષેપોને પગલે સમી તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓએ તલાટીને તપાસ શરૂ કરવા તથા રકમ લેવાઈ હોવાનો આક્ષેપ કરનાર ખેડૂતોના નિવેદન નોંધવાની સૂચના આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ