
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) હારીજ બહુચર માતાજી મંદિરના ચાચરચોકમાં માગશર સુદ બીજના શનિવારે આનંદ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડી ભક્તિમય ગરબાનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ આનંદ ગરબા મંડળ હારીજ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટે રચેલા 118 છંદ ધરાવતા આનંદના ગરબાના સૂર પર મહાકાળી આનંદ ગરબા મંડળ, ખોડિયાર ચંડી ચામુંડા મંડળ અને આનંદ ગરબા મંડળ દ્વારા સંગીતની સુરાવલીઓ વચ્ચે ગરબાની રમઝટ જામી હતી. ભક્તોએ ઉત્સાહપૂર્વક માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રસંગે રસ-રોટલી અને લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા રસિકલાલ રાવલ, નટવરલાલ ઠાકર, રમેશકુમાર ઠાકર, નિલેશકુમાર ઠાકર (ડિશવાળા), લાલાભાઈ ઠાકર (કંદોઈ) અને મહાવીરસિંહ સોલંકી જેવા દાતાઓએ યોગદાન આપ્યું હતું જ્યારે કાર્યક્રમનું સંચાલન નવઘણસિંહ વાઘેલાએ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ