રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં વર્ગ – 3માં નવી નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયતનો ગૌરવશાળી સમારોહ યોજાયો
- મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન ગાંધીનગર, 22 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં વર્ગ-3માં નવી નિમણૂક મેળવી રહેલાં 4473 યુવાઓને આહવાન કર્યુ કે,રાજ્ય સરકારની
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન

ગાંધીનગર, 22 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં વર્ગ-3માં નવી નિમણૂક મેળવી રહેલાં 4473 યુવાઓને આહવાન કર્યુ કે,રાજ્ય સરકારની સેવામાં તેમને મળેલી તકને માત્ર નિમણૂક નહી પરંતુ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારે.

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવ:નો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નન્સની સતત પ્રતિતિ કરાવી છે. નવી નિમણૂક મેળવી રહેલા યુવાઓ પણ પ્રમાણિકતા સાથે કાર્યરત રહીને, કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરીને કે કોઈ વિધવા માતાના આંસુ લુછીને ,નિરાધારનો આધાર બનીને સંવેદનશીલ સરકારની અનુભૂતિ પોતાના વાણી વર્તન અને વ્યવહારથી કરાવે તેવી તેમની પાસેથી અપેક્ષા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિભાગોમાં વિવિધ કેડરમાં પસંદગી પામેલા કુલ 4473 ઉમેદવારોમાંથી પ્રતિકાત્મક રૂપે 21 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ અન્ન નાગરિક પુરવઠા- ગ્રાહકોની બાબતોના મંત્રી રમણ સોલંકી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

મુખ્યમંત્રીએ યુવાઓને પ્રેરણા આપતાં કહ્યુ કે, ફરજો અને કામગીરીમાં શિથિલતા નહી પરંતુ નવિનતાના અભિગમ સાથે રાષ્ટ્રહિત પ્રથમ અને રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના ભાવને સમગ્ર કેરિયરમાં પ્રાથમિકતા આપીને 2047ના વિકસિત ભારતના નિર્માણના તેઓ સંવાહક બને.

તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ ગવર્નન્સ માટે ટ્રાન્સપરન્સી અને ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ તથા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેને ગુજરાતે પારદર્શી નિમણૂકથી સાકાર કર્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે માનવ સંસાધન માટે ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યરત કરેલા 3000થી વધુ કેડરની માહિતી સાથેના કેડર મેનેજમેન્ટ પોર્ટલ અને 10 વર્ષીય ભરતી કેલેન્ડરની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે આના પરિણામે ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટ માટેનું આયોજન સરળ બન્યું છે. રોજગાર ઈચ્છુક યુવાનોને પણ પરીક્ષાની આગોતરી માહિતી મળી રહે છે અને પુરી તૈયારી કરીને તેઓ સફળતા મેળવી શકે છે.

દેશના યુવાઓ માટે સરકારી નોકરી ઉપરાંત ખાનગી, જાહેર ક્ષેત્રોમાં “હર હાથ કો કામ, હર કામ કા સન્માન”નો ધ્યેય સાકાર કરતાં રોજગાર અવસરો વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલા રોજગાર મેળાથી ખુલ્યાં છે તથા 3.5 કરોડ યુવાઓને રોજગાર અવસર આપવા માટે વડાપ્રધાનના વિઝનથી પીએમ વિકસિત ભારત યોજના શરૂ થઈ છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિમણૂકપત્ર મેળવનાર તમામ ઉમેદવારોનું ગુજરાત સરકાર પરિવારમાં સ્વાગત સહ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતની યુવાશક્તિ માટે એક સુવર્ણ દિવસ છે. આજે સૌ ઉમેદવારોએ અથાક પરિશ્રમને અંતે આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે, ત્યારે તેમના માતા પિતા અને પરિવારના સભ્યોના સપનાઓ પણ સાકાર થયા હશે. આ સફળતા જનસેવાની નવી શરૂઆત છે. નિમણૂક પામનાર સૌ ઉમેદવારોને રાજ્યના નાગરિકોના કામ કરવા માટે તક મળી છે. આ તકનો ઉપયોગ નાગરિકોની સેવા કરવા માટે હકારાત્મક અભિગમ સાથે થાય તેવી કાળજી રાખવા નાયબ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

એપ્રિલ 2025 થી અત્યાર સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 101 જેટલી પરીક્ષાઓ યોજીને રેકોર્ડ બનાવ્યો છે. ઓનલાઇન, પારદર્શક અને ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરનાર ગૌણ સેવા પસંદગી મંડળની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.

હર્ષ સંઘવીએ આ પ્રસંગે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ 14507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં PSI અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની 13591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલમાં ગુજરાત પોલીસ દળની ચાલી રહેલી ૧૨થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે, જેમના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશાના માધ્યમથી નવ નિયુક્ત ઉમેદવારને અભિનંદન આપીને 'વિકસિત ભારત' માટે પોતાનું મહત્તમ યોગદાન આપવા શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યભરમાંથી પસંદગી પામેલા ઉમેદવારોમાંથી સૌથી વધુ જુનિયર ક્લાર્ક વર્ગ-3 માં 2828 ઉપરાંત સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1-2 ની મળીને કુલ 92 , સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ-૩ની કુલ ૨૨, સિનિયર ક્લાર્ક વર્ગ-૩ની ૩૩૯, હેડ ક્લાર્ક વર્ગ-૩ની ૧૩૮, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩ની કુલ ૨૦, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ની ૧૪૪ તેમજ ગૃહપતિ,ઓફિસ આસિસ્ટન્સ, ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩,હિસાબનીશ વર્ગ -૩, પેટા હિસાબનીશ વર્ગ-૩ અને સર્વેયરની કુલ ૮,૮૨ આમ, કુલ-૪,૪૭૩ જગ્યાઓનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરા પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકીયા,સામાન્ય વહીવટ વિભાગ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ,કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande