વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ
વલસાડ, 22 નવેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકા ખાતેથી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ સરદાર @150 અંતર્ગત પારડી
Kanu desai vapi


વલસાડ, 22 નવેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકા ખાતેથી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ સરદાર @150 અંતર્ગત પારડી વિધાનસભાની જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ હતી. આ પદયાત્રામાં વલસાડ જિલ્લાના પ્રભારી તેમજ આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ અને લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મંત્રી કનુભાઈ દેસાઈએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવતા કહ્યું હતું કે, સરદાર પટેલે અખંડ ભારત, એક ભારતનું નિર્માણ કર્યું હતું તેને આપણે શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સમગ્ર ભારત દેશ એક હોવો જોઈએ અને સંવિધાન મુજબ ચાલવો ખૂબ જરૂરી છે. તેથી જ ભારતમાં વિવિધ ધર્મ - સંસ્કૃતિ હોવા છતાં ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આજે સમગ્ર દેશ સરદાર પટેલની 150 મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર પટેલને શ્રેષ્ઠ આદર પ્રદાન કર્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ;એ ભારતની આઝાદી બાદ દેશના ૫૬૪ જેટલા રજવાડાઓને માત્ર બે વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભારતમાં જોડી દેશને એક કર્યો હતો. સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર પણ સરદાર પટેલની જ દેન છે. દેશમાં સુશાસનની શરૂઆત પણ સરદાર પટેલે જ કરી હતી તેથી તેમના એકતાના પથ પર દરેકે આગળ વધવું જ જોઈએ.

આ પદયાત્રા વાપી મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન થઈ ઝંડા ચોક – ગાંધી સર્કલ – સેલવાસ ચાર રસ્તા – ભડક મોરા – સરદાર ચોક – અંબેમાતા મંદિરથી શ્યામજી કૃષ્ણવર્મા ચોક સુધી પહોંચી હતી. મહાનુભાવો દ્વારા વાપી સર્કિટ હાઉસ ખાતે યુનિટી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં લોકોએ સરદાર અમર રહોના નારા લગાવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોના પરંપરાગત પરિધાનમાં અને સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં અલગ અલગ પ્લેકાર્ડ અને એકતાની થીમ સાથે ભાગ લીધો હતો. વાપી મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ, પોલીસ, એનસીસી કેડેટ્સ, ગુજરાત યોગ બોર્ડના સભ્યો સહિત અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande