
પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બાવળાવદર પંચાયતનો વિવાદ સામે આવ્યો છે જેમાં ખેડૂતે પંચાયત તથા ડી.ડી.ઓ. વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂત સહાયના ફોર્મમાં સહી કરાવવી હોય તો બાકી વેરો ભરો તો જ થશે આવા દબાણથી ખેડૂતે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકશાની પહોંચી છે ત્યારે રાજ્ય સરકારે 10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે.
જે પણ ખેડૂતને નુકશાની પહોંચી છે તેવા ખેડૂતો હાલ ગ્રામ પંચાયત વી.સી.એ મારફત ફોર્મ ભરાવી રહ્યા છે. પરંતુ બાવળાવદર ગ્રામ પંચાયત આની ઉલ્ટી દિશામાં કામ કરી રહ્યું હોવાના આક્ષેપો સાથે ખેડૂતે જિલ્લા પંચાયતના અધિકારીને લેખિત રજુઆત કરી છે. બાવળાવદરમાં રહેતા અને પોરબંદરમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા મિલન ભેડા નામના યુવાને જણાવ્યું હતું કે, તેમની જમીન બાવળાવદરમાં આવેલી છે. તેમના માતા-પિતા બાવળાવદરમાં જ રહે છે.
પાક નુકશાનીની સહાય માટે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું પરંતુ મંત્રીની સહી ક્રોમમાં જરૂરી છે પરંતુ પંચાયતના અધિકારી એવું કહે છે કે, ફોર્મમાં સહી જોતી હોયતો બાકી વેરો ભરો તો જ કરી આપવામાં આવશે તેવું દબાણ કરવામાં આવી રહ્યું છે. મિલનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે વેરો ભરે છે. અત્યાર સુધી પંચાયત દ્વારા 180 રૂપિયા વેરો લેવામાં આવતો હતો જે આ વર્ષે સીધો 1000 કરી નાખ્યો છે. જેમાં ખાસ પાણી વેરો ઉમેરી 840 રૂપિયા પાણીના જ લેવામાં આવી રહ્યા છે. કુલ 1000 સુધીનો આ નવો વેરો છે. જેનો અમને વાંધો છે.
ગામમાં સફાઈની સમસ્યા છે. સ્ટ્રીટ લાઈટ ચાલુ બંધ અવસ્થામાં રહે છે. તેમજ અન્ય સુવિધાઓનો પણ અભાવ છે. આવી સ્થિતિમાં 1000 વેરો યોગ્ય નથી પરંતુ પાક નુકશાનીના વળતર માટે મંત્રી દ્વારા બાકી વેરો ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ જ વાત ટેલિફોનિક વાતચીતમાં ડી.ડી.ઓ કરે છે જે યોગ્ય નથી. તેમજ સરકારનો એવો કોઈ પરિપત્ર નથી કે બાકી વેરો ભરો તો જ પાક નુકશાની મળશે તેવા આક્ષેપો સાથે મિલન ભેડાએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya