સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતીમાં ફેરફાર તરફ, વટાણાના રોકડિયા પાકથી વધતી આવકની નવી આશા
અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્રમાં બદલાતા હવામાન, કમોસમી વરસાદ અને પરંપરાગત પાકોમાં થતા સતત નુકસાન વચ્ચે હવે ખેડૂતો ખેતીમાં પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને શિયાળુ વટાણો સૌથી વ
સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતીમાં ફેરફાર તરફ: વટાણાના રોકડિયા પાકથી વધતી આવકની નવી આશા


અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્રમાં બદલાતા હવામાન, કમોસમી વરસાદ અને પરંપરાગત પાકોમાં થતા સતત નુકસાન વચ્ચે હવે ખેડૂતો ખેતીમાં પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને શિયાળુ વટાણો સૌથી વધુ લોકપ્રિય બની રહ્યો છે. ટૂંકા ગાળામાં સારું ઉત્પાદન, ઓછું જોખમ અને માર્કેટમાં સારો ભાવ—આ બધી બાબતો વટાણા ખેડૂત માટે વધુ લાભકારી બની રહ્યા છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ જણાવે છે કે પરંપરાગત પાકની તુલનામાં રોકડિયા પાક ખેડૂતોને વધુ સારો નફો આપે છે. શિયાળામાં ખાસ કરીને ઠંડીમાં વધુ ઉત્પાદન આપતો પાક એટલે વટાણા. ખેડૂતોએ પશ્ચિમ સૌરાષ્ટ્રના માટી-હવામાન મંદિરમાં વટાણાનો પાક ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યો છે.

રમેશભાઈએ વધુમાં જણાવ્યું કે વટાણાનું વાવેતર 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર વચ્ચે કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ચણાના વાવેતર સાથે આ પાકની વાવણી સરળતાથી કરી શકાય છે. વાવણીનું અંતર 45 સે.મી. × 10 સે.મી. રાખવાથી છોડને યોગ્ય જગ્યા મળે છે અને ખેડૂતને વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. એક વીઘા જમીન માટે 8 થી 10 કિલોગ્રામ બિયારણની જરૂર રહે છે.

ભલામણ કરેલી જાતોમાં એસડીએમ પ્લસ, વિટા વેક્સ થ્રી અને કેજી જેવી જાતો વધુ ઉત્પાદન અને રોગપ્રતિકારક ક્ષમતા ધરાવે છે, જે ખેડૂતો માટે લાભદાયક છે. જમીનમાં પોષક તત્વો માટે 15 કિલો ડીએપી, 2 કિલો સલ્ફર અને 2 કિલો ઝીંકનો ઉપયોગ પાક માટે અત્યંત જરૂરી ગણાય છે.

વટાણાનો પાક ટૂંકા ગાળાનો—માત્ર 120 દિવસનો—હોવાને કારણે ખેડૂત એક જ સિઝનમાં સારો નફો મેળવી શકે છે. એક વીઘામાં સરેરાશ 15 થી 25 મણ ઉત્પાદન મળતું હોવાથી વટાણો ખેડૂતો માટે સ્થિર આવકનો સારો વિકલ્પ બની રહ્યો છે.

પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે ફૂગનાશક સાફ 40 ગ્રામ અને રોગાર 30 મી.લી.નો એક પંપ દીઠ છંટકાવ કરવાથી ઈયળસ સહિતની જીવાતો પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. જરૂર જણાય તો નજીકના એગ્રો સેન્ટર અથવા વિષય નિષ્ણાતની સલાહ મુજબ દવાઓનો ઉપયોગ કરવો ખેડૂતને વધુ સુરક્ષિત પરિણામ આપે છે.

બજારની વાત કરીએ તો અમરેલી અને રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં વટાણાનો હોલસેલ ભાવ હાલમાં ₹100 થી ₹190 પ્રતિ કિલો સુધી મળી રહ્યો છે, જે ખેડૂતોને વધારાની આવકનું આશ્વાસન આપે છે.

ખેડૂતો માટે આ પાક ભવિષ્યમાં લોકપ્રિય બનશે તેવી આશા છે, કારણ કે ઓછા ઇનપુટમાં વધુ ઉત્પાદન અને સારો નફો—વટાણાને સૌરાષ્ટ્રના ખેડૂત માટે ‘રોકડિયા પાકનો રાજા’ બનાવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande