
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાબાગ પાસે રહેતા યુવકે તેના જ મિત્રની પત્ની પર દાનત બગાડી હતી અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધી બીબસ્ત ફોટા અને વિડિયો મોબાઇલમાં ઉતારી લીધા હતા. ત્યારબાદ આ વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા પાંચ વર્ષથી યુવકે પરિણીતાનું શારીરિક શોષણ કર્યું હતું. જેથી આખરે ભોગ બનનાર આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ પાસે આવેલ પૂર્વી સોસાયટીમાં રહેતા ગૌતમ વલ્લભભાઈ વાઘેલા સામે ગતરોજ તેના જ મિત્રની પત્નીએ બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગૌતમ વાઘેલા છેલ્લા કેટલાય વર્ષોથી તેમના પતિને ઓળખતા હતા. જેના કારણે તેઓના ઘરે આવવા જવાના સંબંધો હતા. આ દરમિયાન તેમના સંબંધો વધુ ગાઢ બનતા પારિવારિક સંબંધો બંધાયા હતા. આ દરમિયાન પાંચ વર્ષ પહેલા ગૌતમ વાઘેલાએ પરણીતા એકલી હતી ત્યારે ઘરે આવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે ગૌતમ વાઘેલાએ પરણીતા સાથેના ફોટા વિડીયો ઉતારી લીધા હતા. જોકે ત્યારબાદ ગૌતમ અવારનવાર તેને આ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા પાંચ વર્ષથી તેનું શારીરિક શોષણ કરતો હતો. બનાવને પગલે ગતરોજ પરણીતાએ આખરે પતિને સઘળી હકીકત જણાવ્યા બાદ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગૌતમ વલ્લભભાઈ વાઘેલા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે