
મહેસાણા,22 નવેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરમાં આવાસ યોજનાઓને વેગ આપવા અને સ્લમ વિસ્તારોમાં વસતા નાગરિકોને સલામત તેમજ સન્માનજનક નિવાસ પ્રદાન કરવા PMAY-U (પ્રધાનમંત્રી આવાસ યોજના—શહેરી) હેઠળ સ્લમ રિહેબીલીટેશન કમિટીની મહત્વપૂર્ણ બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ. બેઠકમાં મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારના સ્લમ વિસ્તારનો વિગતવાર અભ્યાસ, સર્વે પ્રક્રિયા અને આગામી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે મહેસાણા શહેરના તમામ સ્લમ વિસ્તારોમાં ટૂંક સમયમાં વ્યાપક સર્વે હાથ ધરવામાં આવશે, જેથી દરેક લાભાર્થીની ચોક્કસ વિગતો મેળવી શકાશે. સર્વેના આધારે સ્લમ રિહેબીલીટેશન માટે જરૂરી નોટિફિકેશન બહાર પાડવાની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ કરવામાં આવશે. આ નોટિફિકેશન બાદ પ્રોજેક્ટના અમલીકરણ માટે જરૂરી ટેકનિકલ, વહીવટી અને નાણાકીય મંજૂરીઓ પ્રાપ્ત કરાશે.
કમિટીએ ચર્ચા દરમિયાન સ્પષ્ટ કર્યું કે PMAY-Uનો મુખ્ય હેતુ સ્લમ વિસ્તારોને, પુનર્વસિત કરીને ગરીબ અને સામાન્ય નાગરિકોને પરવડી શકે તેવા દરે આવાસ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો, સ્વચ્છ પરિસર અને પાયાની સુવિધાઓ સાથેનો પુનર્વસન અભિયાન હાથ ધરવામાં આવશે.
બેઠકમાં રજૂ થયેલા આંકડા અને ભૌતિક સ્થિતિના આધારે સૂચવાયું કે મહેસાણા શહેરમાં સ્લમ રિહેબીલીટેશનનું અમલીકરણ નાગરિકોના જીવનસ્તર સુધારવામાં અત્યંત મહત્વનો ફાળો આપશે. કલેક્ટર, મહાનગરપાલિકા અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓએ પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શિકા પર ચર્ચા કરી.
PMAY-U અંતર્ગત મહેસાણા શહેર માટે લેવામાં આવેલ, આ નિર્ણય આવાસ વિકાસ અને શહેરી પરિવર્તન તરફનું મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR