
- સીમા સુરક્ષા દળે રાષ્ટ્રની પ્રથમ રક્ષણ રેખા તરીકે દેશની સરહદોની સુરક્ષા અને આંતરિક સુરક્ષામાં આપ્યું અપ્રતિમ યોગદાન
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) સીમા સુરક્ષા દળની હીરક જયંતિ નિમિત્તે આજરોજ ભારતીય ડાક વિભાગ દ્વારા એક વિશેષ કવર અને વીરૂપણ બહાર પાડવામાં આવ્યું હતું જેનું વિમોયન કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ભુજમાં કરવામાં આવ્યું.
“બોર્ડર સિક્યુરિટી ફોર્સ -ગૌરવપૂર્ણ સેવાના 60 વર્ષ (1965–2025) વિષય પર બહાર પાડવામાં આવેલા આ વિશેષ કવરમાં સીમા સુરક્ષા દળના જમીન, પાણી અને હવામાં દર્શાવેલા શૌર્ય અને કાર્યક્ષમતાને ઉજાગર કરવામાં આવ્યા છે.
1965ના ભારત-પાક યુદ્ધ બાદ પાકિસ્તાન સાથે લાગતી સરહદોની સુરક્ષાના હેતુથી 1 ડિસેમ્બર, 1965ના રોજ સ્થાપિત સીમા સુરક્ષા દળે રાષ્ટ્રની “પ્રથમ રક્ષણ રેખા તરીકે દેશની સરહદોની સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષામાં અનન્ય ફાળો આપ્યો છે.1971 ના ભારત-પાક યુદ્ધમાં ભારતીય સેના સાથે મળીને યુદ્ધ કરવાની સાથે સાથે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં સક્રિય ભૂમિકા નિભાવનાર સીમા સુરક્ષા દળે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેનું પોતાનું સમર્પણ હંમેશા સાબિત કર્યું છે. દળ દ્વારા પંજાબ અને જમ્મુ-કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધી અભિયાનોમાં અદમ્ય શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન સિંદૂર દરમિયાન અદમ્ય હિંમત દર્શાવવા બદલ, ફોર્સના બહાદુર સૈનિકોને 2 વીર ચક્ર અને 16 વીરતા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. 6 દાયકાની આ ગૌરવમય યાત્રામાં, સરહદ સુરક્ષા દળ સરહદોનું અડગ રક્ષક રહ્યું છે દરેક પગલે જીવનપર્યંત કર્તવ્ય ના સૂત્રને સાબિત કરી રહ્યું છે. આ ખાસ કવર બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગૌરવશાળી ઇતિહાસ અને બહુ-પરિમાણીય કાર્યને દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ