
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવાનું છે. મુસાફરોની સુગમ અવરજવર અને ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે વહીવટી તંત્ર, નગરપાલિકા અને પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે.
આ કાર્યવાહી દરમિયાન 70 થી 80 જેટલા કાચા-પાકા લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા. બસ સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સરળ અને અવરજવર સરળતાથી થઈ શકે તે માટે મોડી સાંજે સંયુક્ત કામગીરી ચાલી.
માર્ગોની બંને બાજુએ અનધિકૃત રીતે ગોઠવાયેલા લારી-ગલ્લા, પતરાના શેડ અને અન્ય દબાણકર્તા વસ્તુઓ દૂર કરવામાં આવી અને તેનું કાટમાળ ટ્રેક્ટર મારફતે પાલિકા ખાતે લઈ જવામાં આવ્યું. આ પગલાથી પ્રવાસીઓ માટે સુવિધા વધશે અને ટ્રાફિક સમસ્યાઓ ઘટશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ