
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ GIDC વિસ્તારમાં એક મોટો અકસ્માત બન્યો હતો, જેમાં ઔદ્યોગિક એકમની લિફ્ટ તૂટી પડતાં બે પરપ્રાંતીય યુવકોનું મોત થયું છે. આ ઘટના અક્ષરદીપ ઇન્ડસ્ટ્રીઝની લૂમ્સ ફેક્ટરીમાં બની હતી.
મળી રહેલી માહિતી મુજબ, કારખાનામાં માલ નીચે ઉતારવાની પ્રક્રિયા દરમિયાન લિફ્ટ અચાનક ઉપરથી તૂટી પડી હતી. ત્યારે લિફ્ટમાં હાજર બિહારના મૂળ રહેવાસી બે કામદારો— રિકી કુમાર અને કિશન—ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ઓલપાડ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસે અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ બંને કામદારોના પરિવારોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે