અમરેલીના ખેડૂતોની હાલત નાજુક, માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ રૂ.800 થી રૂ.900, કમોસમી વરસાદે પાક બરબાદ
અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે આ વર્ષની કપાસ સિઝન અત્યંત નિરાશાજનક સાબિત થઈ રહી છે. કમોસમી વરસાદ અને અનિયમિત હવામાનના કારણે કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલા ઉત્પાદનના ભાવ પર સીધી અસર પડી
અમરેલીના ખેડૂતોની હાલત નાજુક: માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ₹800 થી ₹900, કમોસમી વરસાદે પાક બરબાદ


અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે આ વર્ષની કપાસ સિઝન અત્યંત નિરાશાજનક સાબિત થઈ રહી છે. કમોસમી વરસાદ અને અનિયમિત હવામાનના કારણે કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલા ઉત્પાદનના ભાવ પર સીધી અસર પડી છે. હાલમાં અમરેલીના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં કપાસનો ભાવ માત્ર ₹800 થી ₹900 પ્રતિ 20 કિલો નોંધાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે ગંભીર ચિંતા સર્જે તેટલો ઓછો છે.

કિરણભાઈ કાનજીભાઈ કોઠીયા એ જણાવ્યું કે 10 વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે અને હાલ માર્કેટિંગ યાર્ડ ખાંભા ખાતે કપાસ લઈને વેચાણ માટે આવ્યા હતા પરંતુ હાલ 871 રૂપિયા 20 કિલોનો ભાવ મળ્યો છે જેની સામે 20 કિલો ઉત્પાદન મેળવવા 450 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ પડવાને કારણે કપાસ પીળો પડવાના કારણે ભાવ નથી મળતા સરકાર દ્વારા યોગ્ય ટેકા ના ભાવે આ કપાસ ખરીદવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

સારા ગુણવત્તાવાળા કપાસનો ભાવ સામાન્ય રીતે ₹1500 પ્રતિ 20 કિલો સુધી મળે છે, પરંતુ આ વર્ષે પાકમાં પડેલા રોગચાળો, સડો-ડંખ, પીળાશ અને ગુણવત્તામાં ઘટાડાના કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળતું નથી. સમયસર અને સતત પડેલા અણધારી વરસાદના કારણે કપાસની ફૂલ તથા બોળા ખરાબ થઈ ગયા છે, જેના કારણે ઉત્પાદન ઘટ્યું છે અને ગુણવત્તા પર અસર પડી છે. ઘણા ખેડૂતો જણાવે છે કે પાકમાં લગભગ 30 થી 40 ટકા સુધીનું નુકસાન થયું છે, જેના કારણે તેમને ખર્ચ પણ નીકળતો નથી.

કપાસ મુખ્યત્વે ખેડૂતોની આવકનો મુખ્ય આધાર હોય છે, પરંતુ આ વર્ષે નીચા ભાવ અને નુકસાનકારક હવામાનની અસરથી ખેતી વ્યવસાયમાં મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. કેટલાક ખેડૂતો તો બેન્કના હપ્તા અને ખાતર-બિયારણના ખર્ચ કેવી રીતે પુરા થાય તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતોમાં સરકાર પાસેથી વળતર, ભાવ આધાર અને યાર્ડમાં ગુણવત્તાનુ યોગ્ય મૂલ્યાંકન મળવાની માંગ ઉઠી રહી છે. ખેડૂત વર્ગનું કહેવું છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આગામી સિઝનમાં વાવેતરનો વિસ્તાર ઘટી શકે છે. કુલ મળીને, અમરેલી જિલ્લામાં આ વર્ષે કપાસની સિઝન ખેડૂતો માટે ભારે નુકસાન અને મુશ્કેલીઓ સાથે પસાર થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande