
સુરત, 22 નવેમ્બર (હિ.સ.)-દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ચોર્યાસી વિધાનસભા વિસ્તારની 'સરદાર @ 150 યુનિટી માર્ચ' પદયાત્રાને સચિન રેલ્વે ઓવરબ્રિજ નીચે સચીન પ્લાઝા પાસેથી ધારાસભ્ય સંદિપભાઇ દેસાઈ અને મેયર દક્ષેશ માવાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સચીનની યુનિટી માર્ચમાં સચીન ચાર રસ્તાથી સાસંદ મુકેશભાઈ દલાલ પણ જોડાયા હતા.
સુરત મહાનગર પાલિકા અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સચિન રેલ્વે ઓવરબ્રિજ નીચે સચીન પ્લાઝાથી સચીનગામ સ્થિત મહાદેવ મંદિર સુધી 03 કિલોમીટરની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી. સચીન પ્લાઝા,કિષ્ના કોમ્પલેક્ષ, એલ.ડી.હાઈસ્કૂલ, A to z હોસ્પિટલ,સચીન ત્રણ રસ્તા અને મહાદેવ મંદિર સચીનગામ સુધીની યુનિત માર્ચમાં તમામ સ્થળો પર એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપક્રમે રાજ્યવ્યાપી ‘યૂનિટી માર્ચ’ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ચોર્યાસી વિધાનસભાની યુનિટી પદયાત્રા દ્રારા સરદાર સાહેબના એકતા, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકજૂટતાનો શક્તિશાળી સંદેશ જનમાનસ પહોંચશે.
વધુમાં તેમણે બારડોલી સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિકા યાદ કરતાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલા સત્યાગ્રહમાં બારડોલી વિસ્તારની બહેનોનો પણ અદભૂત ફાળો રહ્યો હતો. મહિલાઓએ પુરુષોને સમકક્ષ હિંમત અને સંકલ્પ સાથે આંદોલનમાં ભાગ લીધો હતો. આ જ સત્યાગ્રહ દરમિયાન બારડોલી તાલુકાના અકોટી ગામની ભીખીબેન પટેલે સરદાર વલ્લભભાઈ પટેલને ભેટી “તમે તો અમારા સરદાર છો” કહી સંબોધ્યા હતા, જેનાથી સમગ્ર ભારતમાં વલ્લભભાઈ પટેલ “સરદાર” નામથી પ્રખ્યાત બન્યા હતા.
પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા.
આ પ્રસંગે સુરત શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ,શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર વિભાગના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકી, અગ્રણી માધુભાઈ, કોર્પોરેટરો સહિત પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે