
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) : અમેરિકા દ્વારા ભારતીય વેપાર પર વધારેલા ટેરિફ પછી, સુરત ચેમ્બર ઑફ કોમર્સે વૈશ્વિક વેપારને વેગ આપવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. સુરતને રફ હીરાના મુખ્ય વેપાર કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે બોત્સ્વાના સાથે ઊંચી સ્તરની બેઠક યોજાઈ હતી. આ ચર્ચાઓના સકારાત્મક પરિણામે હવે નક્કી થયું છે કે બોત્સ્વાનાની ખાણોમાંથી નીકળતા રફ હીરાની હરાજી સીધી સુરત ડાયમંડ બોર્સમાં યોજાશે.
સુરત ચેમ્બરના પ્રતિનિધિમંડળે તાજેતરમાં બોત્સ્વાનાની મુલાકાત લીધી હતી. બોત્સ્વાનાના લગભગ 70% રફ હીરા ખાનગી કંપનીઓ પાસે છે, અને તેમની હરાજી અત્યાર સુધી મુખ્યત્વે દુબઈમાં થતી રહી છે. હવે આ કંપનીઓએ સુરતમાં સીધી હરાજી કરવા સંમતિ આપી છે.
આ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગ માટે મોટી રાહતરૂપ છે, કારણ કે હવે ઉદ્યોગકારોને રફ હીરા ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં રહે. વિશ્વસ્તરીય રફ હીરા હવે સુરત ખાતે જ ઉપલબ્ધ થશે.
સુરત ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ નિકિલ મદ્રાસીએ જણાવ્યું:“અમારી 18 સભ્યોની ટીમ બોત્સ્વાના ગઈ હતી. ત્યાંના રાષ્ટ્રપતિએ અમારી તમામ ચર્ચાઓ ધ્યાનપૂર્વક સાંભળી અને સમજ્યા. તેના પરિણામે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જાન્યુઆરીમાં બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ સુરતની મુલાકાતે આવશે તેવી સંભાવના વધુ મજબૂત છે.”
કાપડ, સોલર અને કોલસા વેપારમાં પણ નવી તક
પ્રતિનિધિમંડળે બોત્સ્વાના સાથે સોલર એનર્જી અને કોલસા વેપાર અંગે પણ ચર્ચા કરી. જો ભારત–બોત્સ્વાના વચ્ચે ટ્રેડ ડીલ થાય તો સુરતના કાપડ ઉદ્યોગ માટે વિશાળ તકો ઊભી થઈ શકે છે.
હાલમાં બોત્સ્વાના પર 22% ટેરિફ વસૂલવામાં આવે છે. ટ્રેડ ડીલ થયા બાદ ભારતમાં બનેલું કાપડ બોત્સ્વાના મારફતે અન્ય દેશોમાં મોકલવાથી આ ટેરિફનો સીધો લાભ મળી શકે છે.
વળી, હાલ બોત્સ્વાનાના બજારમાં ચીન અને બાંગ્લાદેશના કાપડનો પ્રભાવ છે, જેની જગ્યાએ ભારતીય કાપડ સરળતાથી સ્થાને લઈ શકે છે.
આ પહેલ બાદ સુરત હવે માત્ર હીરા કટિંગ અને પોલિશિંગનું જ નહીં, પરંતુ રફ હીરાની વૈશ્વિક હરાજીનું મુખ્ય કેન્દ્ર બનવાની દિશામાં મોટી આગળ વધી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે