
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) : સુરતના સરથાણા વિસ્તારમાં 21 નવેમ્બર, શુક્રવારે સાંજે ફિઝિયોથેરાપિસ્ટ મહિલા ડૉક્ટરે 9મા માળેથી કૂદી આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. સાંજે લગભગ 7:15 વાગ્યે શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી મહિલાએ કૂદકિયો મારતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.
મૃતકની ઓળખ રાધિકા જમનભાઈ કોટડીયા (ઉંમર 28) તરીકે થઈ છે. તેઓ મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામના વતની હતા અને હાલમાં સરથાણા ખાતે વિશ્વા રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા. રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સના પહેલા માળે શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી। તેમના પરિવારમાં માતા–પિતા અને એક ભાઈ છે.
રાધિકાની છ મહિના પહેલા સગાઈ થઈ હતી અને તેમના લગ્ન 19 ફેબ્રુઆરી 2026ના રોજ થવાના હતા. મળતી માહિતી મુજબ રાધિકા પોતાના મંગેતર સાથે આ કાફેમાં અવારનવાર આવતા હતા અને એ જ સ્થળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
21 નવેમ્બરના રોજ રાધિકા સવારે પરંપરાગત રીતે ક્લિનિક ગઈ હતી, બપોરે ઘરે આવી ફરી ક્લિનિક પર ગઈ હતી. સાંજે તેણે સ્ટાફને કહ્યું હતું કે “હું યોગી ચોક જઈ રહી છું,” કહીને નીકળી ગઈ બાદ તે સીધી કેફે પહોંચી હતી.
પોલીસની પ્રારંભિક તપાસ મુજબ સંકેત મળી રહ્યા છે કે રાધિકાએ મંગેતર સાથેના મતભેદ અથવા માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હોઈ શકે છે. પોલીસે રાધિકાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને પરિવારજનો તથા ઓળખીતાઓના નિવેદનો આધારે તપાસ શરૂ કરી છે.
બે મહિના બાદ થનારા લગ્ન પહેલા જ દીકરીના અચાનક નિધનથી પરિવાર શોકમગ્ન બની ગયો છે. સરથાણા પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે