
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) શહેરના ચોક બજાર વિસ્તારમાં ફૂલવાડી ભરી માતા રોડ પર તું મારી દીકરી સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહીને સસરાએ જમાઈને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી. જેથી આખરે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી સસરા સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોકબજાર ભરી માતા રોડ પર આવેલ ફૂલવાડી ખાતે મદીના મસ્જિદની સામે નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા નજીઉલ્લા મુસ્તાકિમ શાહ ની દીકરી ના લગ્ન બે વર્ષ પહેલા યુપીમાં રહેતા સલમાન રફીક અહેમદ શાહ સાથે થયા હતા. છેલ્લા બે ત્રણ મહિનાથી સલમાન સુરત રહેવા માટે આવી ગયો હતો અને સુરતમાં કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન ગત તારીખ 21/11/2025 ના રોજ સાંજે 07:00 થી 7:30 વાગ્યાના અરસામાં સલમાન તેમના સસરાને મળવા માટે તેમના ઘરે ગયો હતો તેમના સસરાજી નજીઉલ્લાએ સલમાન સાથે ઝઘડો કરી તું કેમ મારી દીકરી સાથે ઝઘડો કર્યા કરે છે તેમ કહીને ઘરમાંથી ચપ્પુ લાવી સલમાનને છાતીમાં જીવલેણ ઘા મારી દીધો હતો. જેના કારણે સલમાનનું ત્યાં જ ઢળી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે નહેરુનગર ઝુપડપટ્ટીમાં જ રહેતા મોહમ્મદ તાસીફ મોહમ્મદ રફીક શાહએ આ મામલે નજીઉલ્લા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે