
જામનગર, 23 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આગામી તા. 24 નવેમ્બર, 2025 ના રોજ જામનગર જિલ્લાનો પ્રવાસ નિર્ધારિત થયેલો છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા જામનગરને રૂ.622 કરોડથી વધુના વિવિધ વિકાસકામોની ભેટ આપવામાં આવનાર છે, જેમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ પણ સામેલ છે.
મુખ્યમંત્રીના આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમને સફળતાપૂર્વક અને સુચારૂ રીતે સંપન્ન કરવાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની સહિત સંકલન સમિતિના તમામ સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં કાર્યક્રમના વ્યવસ્થાપન સંબંધિત તમામ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટર કેતન ઠક્કરે મુખ્યમંત્રીના પ્રવાસને લઈને દરેક વિભાગને સોંપવામાં આવેલી જવાબદારીઓનું સમયસર અને ચોક્કસ પાલન થાય તે અંગે ખાસ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં મુખ્યમંત્રીના પ્રવાસ સ્થળ અને વિકાસકામોના કાર્યક્રમ સ્થળ પરની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના રૂટ, કાર્યક્રમ સ્થળ, સુરક્ષા ઉપરાંત કાર્યક્રમ દરમિયાન નાગરિકોને અગવડ ન પડે તે માટે ટ્રાફિકનું સુચારૂ વ્યવસ્થાપન અને પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવા અંગે ચર્ચા કરાઈ હતી.
અંતમાં, કલેકટર કેતન ઠક્કરે તમામ અધિકારીઓને ટીમવર્કથી કાર્ય કરીને મુખ્યમંત્રીના આ કાર્યક્રમને સફળ બનાવવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓને હાલ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt