
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ જનતા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ધનંજય ચૌધરીએ ઉત્તરપ્રદેશની મૂળ વતની અને સિદ્ધપુરના પચકવાડામાં મજૂરી કરતી એક ગરીબ મહિલાનું આશરે બે લાખ રૂપિયાનો ખર્ચ કરીને સંપૂર્ણ નિઃશુલ્ક હૃદય ઓપરેશન કર્યું હતું. છ મહિના થી બિમાર મહિલાને શરૂઆતમાં લીવરની તકલીફ હોવાનું માનાતું હતું, પરંતુ તપાસ દરમિયાન હૃદયમાં કાણું હોવાનું સ્પષ્ટ થયું.
આ બીમારી આર.એસ.ઓ.વી. (RSOV) તરીકે ઓળખાય છે અને સમયસર સારવાર ન મળે તો એક વર્ષની અંદર મૃત્યુની શક્યતા વધે છે. આ માટે હૃદય ખોલીને બાયપાસ સર્જરી અથવા ડિવાઇસ ક્લોઝર જેવા ખર્ચાળ વિકલ્પો જરૂરી બને છે. દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડૉ. ચૌધરીએ જાતે જ ડિવાઇસ મૂકીને ટાંકા વગરનું ઓપરેશન કર્યું અને દવાઓથી લઈને રહેવાની તમામ જવાબદારી પોતાની ઉપર લીધી.
ડૉ. ચૌધરીએ જણાવ્યું કે આ ઓપરેશન ઉત્તર ગુજરાતનું પ્રથમ RSOV ડિવાઇસ ક્લોઝર ઓપરેશન છે. દર્દી ઉત્તરપ્રદેશના હોવાથી તેમનું આયુષ્માન કાર્ડ ગુજરાતમાં માન્ય ન હતું અને ખાનગી હોસ્પિટલોમાં ઊંચા ખર્ચ સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેથી પરિવારની મુશ્કેલી સમજીને તેમણે પોતે જ તમામ ખર્ચ ઉઠાવ્યો.
મહિલાના પતિએ ભાવુક થઈને જણાવ્યું કે તેઓએ પત્નીના જીવવાની આશા ગુમાવી દીધી હતી, પરંતુ ડૉક્ટર સાહેબે ભગવાન સમા બનીને તેમની પત્નીને જીવનદાન આપ્યું. કોઈપણ પ્રકારનો ખર્ચ લીધા વગર સારવાર કરનાર ડૉ. ચૌધરીનો તેઓ હૃદયપૂર્વક આભાર માન્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ