
પાટણ, 23 નવેમ્બર (હિ.સ.)પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરીને પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાઓને ખરીફ કૃષિ રાહત પેકેજમાં સમાવવાની માંગ કરી છે. ઓક્ટોબર 2023ના અચાનક ભારે અને કમોસમી વરસાદથી કપાસ, કઠોળ અને ઘાસચારાના પાકોને 40 ટકા કરતાં વધુ નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદ બાદ પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાક બળી ગયો છે અને પશુધન માટેનો ઘાસચારો પણ પૂરતો તૈયાર ન થવાથી ખેડૂતોના સંકટમાં વધારો થયો છે. હાલ જાહેર થયેલા કૃષિ રાહત પેકેજમાં આ ત્રણેય તાલુકાઓનો સમાવેશ ન થતા ધારાસભ્યએ તેમને તાત્કાલિક કરવાનો આગ્રહ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કર્યા હોવા છતાં પાટણ જિલ્લામાં એકપણ કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને દૂર જવું પડે છે. તેથી, પાટણ જિલ્લામાં તાત્કાલિક મગફળી ખરીદી કેન્દ્ર ફાળવવાની ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ