
ચિક્કાબલ્લાપુર, નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.): કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે જણાવ્યું હતું કે, આ બાબતે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ છે.
ચિક્કાબલ્લાપુરના શિદલઘાટ્ટામાં મીડિયા સાથે વાત કરતા, સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, તેઓ અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પાર્ટી હાઈકમાન્ડના નિર્ણય અનુસાર કાર્ય કરશે. તેમણે કહ્યું હતું કે નેતૃત્વ પરિવર્તન અને મંત્રીમંડળ વિસ્તરણ જેવા મુદ્દાઓ પર અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે, અને તેઓ બંને તેનું પાલન કરશે.
સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું હતું કે, લગભગ પાંચ મહિના પહેલા હાઈકમાન્ડ સાથેની બેઠકમાં કેબિનેટ ફેરબદલ અંગે માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તે સમયે, તેમણે હાઈકમાન્ડને સૂચન કર્યું હતું કે, અઢી વર્ષ પછી પ્રક્રિયા હાથ ધરવી વધુ સારી રહેશે, પરંતુ જો હાઈકમાન્ડ હવે કોઈ નવી સૂચનાઓ જારી કરે છે, તો તે મુજબ પગલાં લેવામાં આવશે.
દરમિયાન, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને ટેકો આપતા ઘણા ધારાસભ્યો દિલ્હીમાં છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, નેતૃત્વ પરિવર્તન અંગે હાઇકમાન્ડ સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, રાહુલ ગાંધી વિદેશથી પાછા ફર્યા પછી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ