
નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ લખનૌમાં એક
ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ
નેટવર્કના મુખ્ય ભાગેડુ આરોપી વિકાસ કુમાર નિમ્મરની ધરપકડ કરી છે. આ કોલ સેન્ટર
અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યું હતું.
સીબીઆઈના જણાવ્યા અનુસાર,”એજન્સીએ 24 સપ્ટેમ્બર, 2024 ના રોજ
નોંધાયેલા કેસની તપાસ દરમિયાન કાર્યવાહી કરી હતી. અગાઉ, સપ્ટેમ્બર 2024 માં, એજન્સીએ પુણે, હૈદરાબાદ અને
વિશાખાપટ્ટનમમાં કાર્યરત આરોપીઓ સાથે જોડાયેલા, ચાર ગેરકાયદેસર કોલ સેન્ટર તોડી
પાડ્યા હતા. આ કોલ સેન્ટર વીસીઇન્ફ્રોમેટ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી કાર્યરત હતા, અને વિકાસ
નિમ્મારે તેના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.”
કેસ નોંધાયા પછી વિકાસ નિમ્માર ફરાર હતો. સીબીઆઈએ પુણેના ચીફ
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી, તેની ધરપકડ માટે વોરંટ મેળવ્યું હતું.
ત્યારબાદ, આ વર્ષે 20 નવેમ્બરના રોજ
લખનૌમાં તેના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
સર્ચ દરમિયાન, સીબીઆઈને તેના ઘરેથી ₹1.4 મિલિયન રોકડા, મોબાઇલ ફોન અને સાયબર ક્રાઇમ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ
દસ્તાવેજો મળી આવ્યા. એજન્સીએ લખનૌમાં તે ચલાવતો બીજો ગેરકાયદેસર કોલ સેન્ટર પણ
શોધી કાઢ્યો, જેને સીબીઆઈએ સ્થળ પર જ તોડી
પાડ્યો.
આ કોલ સેન્ટરમાંથી બાવન લેપટોપ અને મોટી માત્રામાં ડિજિટલ
પુરાવા મળી આવ્યા હતા, જેનો ઉપયોગ સાયબર
ક્રાઇમ નેટવર્ક ચલાવવા માટે થઈ રહ્યો હતો.
સીબીઆઈએ જણાવ્યું છે કે,” આ કેસની તપાસ ચાલુ છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ