

સુરેન્દ્રનગર,4 નવેમ્બર (હિ.સ.) ઓક્ટોબર-2025 ના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોના પાકમાં નોંધપાત્ર નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના કુલ 500 ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે. જિલ્લામાં મુખ્યત્વે તુવેર, કપાસ,મગફળી જેવા પાકોને નુકસાન થવા પામ્યુ છે. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિતની કુલ 500 ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ટીમોએ ગામ-ગામની મુલાકાત લઈ સરપંચશ્રી, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચરોજકામ અનુસાર માહિતી સંકલિત કરી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમારે જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે જિલ્લાના અંદાજે 500 ગામોમાં નુકસાન જોવા મળ્યું હતું. તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં કુલ 500 ટીમો બનાવી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલ તમામ ગામોની અંદર પાક નુકસાનીના પ્રાથમિક સરવે માટે પંચ રોજકામની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં ઉમેર્યું હતું કે, સર્વે અને પંચ રોજકામની કામગીરી પૂર્ણ થયેથી તમામ ગામોના નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સરકારમાંથી ચૂકવણા માટે જે માર્ગદર્શન સૂચનો મળશે તે મુજબ જિલ્લામાંથી પાક
નુકસાની અંગે ચૂકવણું કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ