

- ખેતીવાડી વિભાગ દ્વારા માવઠા અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરાઈ
- ખેતીવાડી વિભાગની ટીમો નુકસાન જોવા અને સર્વે કરવા માટે ઝડપથી આવી તે સારી બાબત - ખેડૂત નિલેશભાઈ
સુરેન્દ્રનગર,4 નવેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે આવી પડેલી આપત્તિના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્હારે આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ નુકસાનીનો તત્કાલીક સર્વે કરવા માટે સૂચનાઓ આપી હતી,જેના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ખેતીવાડી ખાતાની ટીમોએ અસરગ્રસ્ત ગામોની ઝડપથી મુલાકાત લીધી હતી. વ્રજપુર ગામના ખેડૂત ખાતેદાર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે તેમના કપાસ અને મગફળીના બંને પાક નિષ્ફળ ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તત્કાલીક સર્વે કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે ગામમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તત્કાલ પેકેજ જાહેર કરવામાં આવે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.
આ જ રીતે, જેગડવા ગામના ખેડૂત ખાતેદાર નિલેશભાઈએ જણાવ્યું હતું કે, મારા કપાસના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગની ટીમો નુકસાન જોવા અને સર્વે કરવા માટે ઝડપથી આવી તે બાબતને સારી બાબત છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ, સરકાર દ્વારા ઝડપથી સહાય આપવામાં આવે તેમ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ