
- ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂત જયદીપભાઇએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગર,4 નવેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. જગતના તાત પર આવી પડેલી આ કુદરતી આફતમાં, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગ દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી હતી.
ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની ઝડપી કામગીરી પ્રત્યે ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂત જયદીપભાઇએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જયદીપભાઈએ જણાવ્યું હતું કે, તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. મેં મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ભારે વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે.
વધુમાં જયદીપભાઈએ જણાવ્યું હતું કે, ખેતીવાડી વિભાગ દ્વારા વ્યવસ્થિત રીતે પાક નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, રાજ્ય સરકારે જગતના તાત પ્રત્યે સંવેદના દાખવી સર્વેની કામગીરી ઝડપથી હાથ ધરી એ ખેડૂતો માટે આનંદની વાત છે. આ માટે તેમણે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી કે, સરકારે ખેડૂતોને ઘણી મદદ કરી છે અને હાલના સમયમાં પણ સરકાર ખેડૂતો પર ખાસ ધ્યાન આપીને મદદ કરે.
ગામના સરપંચ જાદવ જાયમલએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે આખા ગામમાં ખેતીપાકોમાં વ્યાપક નુકસાની જોવા મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં અંદાજે 550 થી 600 ખેડૂત ખાતેદારો છે. સરકારે ખેડૂતોના હીતને ધ્યાનમાં લઈને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી હતી. જે અંતર્ગત ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર ઝડપથી સહાય આપે એવો અનુરોધ પણ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ