




પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) આજરોજ 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિકસ અને સાઈકલીંગ ટુર્નામેન્ટ 2205-26ના ત્રીજા અને અંતિમ દિવસે રાષ્ટ્રીય લેવલની પોસ્ટ ખાતાની ટુર્નામેન્ટનું સમાપન થયું હતું. આ સમાપનના દિવસે મુખ્ય અતિથિ તરીકે પોસ્ટમાસ્તર જનરલ રાજકોટ દિનેશ કુમાર શર્માએ ઉપસ્થિત રહ્યા હતા અને ચાલુ રમતોનો આનંદ પણ માણ્યો હતો. તેમના જ હસ્તે તેમજ અન્ય પોસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે મેડલ અને ટ્રોફીઓનું વિતરણ પણ કરાયું હતું.
સૌપ્રથમ સ્વાગત પ્રવર્ચનમાં માનનીય ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ, રાજકોટ ડૉ એસ. શિવરામએ સમગ્ર ટૂર્નામેન્ટના આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે દિનેશ કુમાર શર્માના માર્ગદર્શનને બિરદાવ્યું હતું અને બધા પ્રતિયોગીઓને ઉત્સાહથી ભાગ લેવા બદલ પ્રોત્સાહન આપ્યું હતું.
મુખ્ય અતિથિ દિનેશ કુમાર શર્માએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં દરેક ખેલાડી, કોચ, રેફરી, મેનેજર અને આયોજક ટીમને ઉત્સાહવર્ધક શબ્દો કીધા હતા. એક સ્વરચિત કવિતા દ્વારા રમતમાં હારેલા ખેલાડીઓનું પણ મનોબળ વધે અને વધુ સારું કરવા માટે તેઓ માનસિક રીતે મજબૂત બને તેવા પ્રયાસ કર્યા હતા.
ત્યારબાદ એસ. કે. બુનકર, SSP રાજકોટએ તેમની આભારવિધિમાં પોસ્ટમાસ્તર જનરલ રાજકોટ દિનેશ કુમાર શર્મા, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ રાજકોટ ડૉ એસ. શિવરામ , રાજકોટ રિજિયનના આ આયોજન માં સામેલ અન્ય અધિકારીગણ, દિલ્લીથી પધારેલા પોસ્ટના અધિકારી, સ્પૉર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત પોરબંદરના અધિકારી ડૉ પ્રવિણાબેન અને મનીશકુમાર, સાંદિપની સંકૂલ, પોરબંદર જિલ્લા પ્રશાસન, પોલીસ ઓથોરીટી અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.
એથ્લેટિક્સમાં તમિલનાડુ પ્રથમ, ગુજરાત દ્વિતીય અને કેરળ તૃતીય - રાજ્યની ટીમોનો ક્રમાંક આવેલ હતો. પુરુષ શ્રેણીમાં એથ્લેટિક્સમાં સર્વ-શ્રેષ્ઠ પ્રદર્શન તમિલનાડુ રાજ્યની ટીમનું રહેલ હતું જ્યારે સ્ત્રી શ્રેણીમાં ગુજરાત રાજ્યની ટીમનું રહેલ હતું. બેસ્ટ એથ્લેટનો એવાર્ડ પુરુષ શ્રેણીમાં કિરણ પી. ભોંસલે, મહારાષ્ટ્ર જ્યારે સ્ત્રી શ્રેણીમાં કુ. આર. પુનિથા, તમિલનાડુ ને મળેલ હતો. સાઈકલીંગ ટુર્નામેન્ટમાં કેરળ પ્રથમ, તમિલનાડુ દ્વિતીય અને મહારાષ્ટ્ર તૃતીય - રાજ્યની ટીમોનો ક્રમાંક આવેલ હતો. જ્યારે બેસ્ટ સાયકલીસ્ટનો પુરસ્કાર કેરળના સુબીન બી.ને મળ્યો હતો. અને આમ એક રાષ્ટ્રીય લેવલની પોસ્ટ ખાતાની ટુર્નામેંટનું ભવ્યાતિભવ્ય સમાપન થયેલ હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya