
સોમનાથ,4 નવેમ્બર (હિ.સ.) આવતી કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રે વિશેષ મહાપૂજા અને મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 05/11/2025 ની રાત્રે 12:00 વાગ્યે યોજાનાર આ મહા આરતીમાં પ્રથમ વખત એસ.જી.વી.પી. દ્રોણેશ્વર ગુરુકુલના વિધાર્થીઓના બેન્ડ દ્વારા મહાદેવની આરતી સંગીતમય રૂપે પ્રસ્તુત કરવામાં આવશે.
આ વિધાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું હતું. હવે તેઓ શ્રી સોમનાથ મહાદેવને પોતાની સંગીતકલા અર્પણ કરીને આ પાવન પર્વને વિશેષ આભા આપશે.
કાર્તિકી પૂર્ણિમા, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ દિવસે ભગવાન શિવએ ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું. આ દિવસે એક દુર્લભ ખગોળીય સંયોગ રચાય છે — જ્યારે મધ્યરાત્રે 12:00 વાગ્યે ચંદ્રમા, શ્રી સોમનાથ મંદિરનો ધ્વજ અને શ્રી જ્યોતિર્લિંગ એક સીધી રેખામાં આવે છે. ભક્તોની માન્યતા મુજબ આ યોગના દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વિશેષ પુણ્ય પ્રાપ્તિ થાય છે.
ભક્તોને આ દિવ્ય ક્ષણના દર્શન માટે મંદિર રાત્રે 1:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે સુવિધાસભર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તો સરળતાથી આ અનોખા યોગના દર્શન કરી શકે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ