
અમરેલી,4 નવેમ્બર (હિ.સ.) પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફરી એકવાર ખેડૂતોની વેદનાને અવાજ આપ્યો છે. તાજેતરના કમોસમી માવઠા અને વરસાદે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ પરિસ્થિતિમાં સરકાર તરફથી અપાતી સહાયને લઈને ધાનાણીએ સવાલ ઉઠાવ્યો છે — “ખેડૂતોને ન્યાયસંગત વળતર મળશે કે માત્ર રૂ. 8000 ની સરકારી ભીખ?”
ધાનાણીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, ખેતીવાડી ખાતાની પ્રાથમિક માહિતી, કૃષિ તજજ્ઞોના અભિપ્રાય અને ખેડૂતોના સ્વાનુભવના આધારે, ખરીફ-2025 દરમિયાન વાવેતર કરેલી મગફળીનો વિઘા દીઠ ઓછામાં ઓછો ઉત્પાદન ખર્ચ રૂ. 17,355 જેટલો થયો છે. પ્રાથમિક ઉતારાના અંદાજ પ્રમાણે વિઘા દીઠ સરેરાશ 20 મણ ઉપજ મળે છે, જેની ટેકાના ભાવે કિંમત રૂ. 29,040 થાય છે. સાથે જ પલળી ગયેલી પાલાની કિંમત રૂ. 5,000 જેટલી ગણાય છે.
આ રીતે જો કુલ હિસાબ કરવામાં આવે, તો એક વિઘા દીઠ ખેડૂતોને લગભગ રૂ. 51,395 જેટલું નુકસાન થયું હોવાનું સ્પષ્ટ થાય છે. પરેશ ધાનાણીએ આંકડા રજૂ કરતાં જણાવ્યું કે, “સરકાર જો માત્ર રૂ. 8,000નું વળતર આપે છે, તો તે ખેડૂત માટે મદદ નહિ, પરંતુ ઉપહાસ સમાન છે.”
તેમણે સરકારને સીધી અપીલ કરતાં કહ્યું — “ખેડૂતોને તેમની મહેનતનો ન્યાય આપો. આ જમીન પર પરિશ્રમ કરતા લોકો ‘જગતના તાત’ છે, તેમની મહેનતથી દેશ જીવંત છે. હવે સમય છે કે સરકાર તેમની હાલતને સમજે અને વળતર નહીં, પરંતુ ન્યાય આપે.”
ધાનાણીના આ નિવેદનથી ખેડૂતોમાં નવો આત્મવિશ્વાસ અને સરકાર સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે — શું ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળશે કે આ સિઝન પણ રાજકીય આશ્વાસનોમાં જ વીતી જશે?
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai