
જામનગર,4 નવેમ્બર (હિ.સ.) જામનગરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ ન થાય, તે સંદર્ભમાં મેડિકલ એસો. સાથે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા બેઠક યોજાઈ હતી. આ દરમિયાન જામનગરના તમામ મેડિકલ સ્ટોરના સંચાલકોને તબીબોના પ્રિસ્કિપશન વિના નશાકારક દવાઓ ગ્રાહકોને નહીં આપવા સ્પષ્ટ નિર્દેશ કરાયો હતો.
જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર એસ.ઓ.જી. શાખાના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા શહેર જિલ્લામાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત સમયાંતરે લોકજાગૃતિ સંદર્ભના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, તેના ભાગરૂપે જામનગર શહેરના મેડિકલ સ્ટોર માંથી લોકોને નસાયુક્ત દવાઓ સરળતાથી મળી ન જાય તે સંદર્ભમાં વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી, અને તબીબોની ગાઇડલાઇન મુજબ જ લોકોને દવા આપવામાં આવે, તે સંદર્ભમાં વિશેષ બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે.નગરના મેડિકલ સ્ટોર ના સંચાલકો, કે જેઓને માર્ગદર્શન આપીને ખાસ કરીને તબીબોની ગાઈડલાઈન અથવા તો પ્રિસ્કિપશન વિના કોઈપણ ગ્રાહકોને નશા યુક્ત હોય તેવી દવાઓનું વેચાણ નહીં કરવા માટેનો સ્પષ્ટ નિર્દેશ અપાયો હતો.
જામનગરની એસ.ઓ.જી. શાખા ના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિશેષ અભિયાન અંતર્ગત જામનગર શહેરમાં દવાઓનું વેચાણ કરતી દુકાનોના સંચાલકો કે જેઓનું મેડિકલ એસોસિયેશન છે, તે તમામ હોદ્દેદારો સહિતના વિક્રેતાઓને ગઈકાલે જામનગરની એસ.ઓ.જી.ની કચેરીમાં બોલાવાયા હતા, અને તમામ સાથે નશા મુક્તિના સંદર્ભમાં વાટાઘાટો કરવામાં આવી હતી, તેમજ તબીબોએ લખેલા પ્રિસ્કિપશન મુજબ જ દર્દીઓને દવા આપવા માટેનો ખાસ આગ્રહ રાખ્યો હતો. જેમાં સર્વે મેડિકલ વિક્રેતાઓ સહમત થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt