
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં એક મહિલાએ લાંબી બીમારીથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કુબેરેશ્વર મહાદેવ અને બાળા બહુચર મંદિરના સેવકોની સતર્કતાને કારણે તેમનો જીવ બચી ગયો. આ ઘટનાએ સરોવરના રિનોવેશન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
મહિલા પાટણ શહેરના વોર્ડ નંબર 9ની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ખાન સરોવરમાં પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ બચાવો! બચાવો!ની બૂમો સાંભળીને સેવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. મનીષભાઈ ચોખાવાળા સહિતના સેવકોએ દોરડાની મદદથી મહિલાને પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ પહોંચી અને મહિલાને ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેમની હાલત સ્થિર છે. કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે પાલિકાને તાત્કાલિક રિનોવેશન પૂર્ણ કરવા તેમજ સરોવરની આસપાસ સુરક્ષા વધારવા અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ