
વડતાલ/અમદાવાદ,5 નવેમ્બર (હિ.સ.) નડિયાદ જિલ્લામાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાના કેન્દ્ર સમાન વડતાલ ધામ ખાતે ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવને લઈ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. દ્વિશતાબ્દી મહોત્સવને લઈ દેશ-વિદેશના હરિભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવમાં વિદેશમાંથી 3,000થી વધુ એનઆરઆઈ ભક્તો વડતાલ ધામ ખાતે ઊમટી પડ્યા છે. લંડન, દુબઈ, કેનેડા, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને જર્મની જેવા દેશોમાં સ્થાયી થયેલા હરિભક્તો ફક્ત આ અદ્વિતીય ઉત્સવમાં ભાગ લેવા માટે જ વતન પરત ફર્યા છે.
એનઆરઆઈ ભક્તોનો આ પ્રવાહ માત્ર ધાર્મિક લાગણી જ નહીં, પણ નોકરી-વ્યવસાયમાંથી સમય કાઢીને આવવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. લંડનથી આવેલા હેમંત પટેલે જણાવ્યું હતું કે તેઓ દ્વિશતાબ્દી મહોત્સવ માટે નોકરીમાંથી રજા લઈને પરિવાર સાથે આવ્યા છે. તેમના માટે આ મહોત્સવમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે અહીં પ્રત્યક્ષ ભાવ ખૂબ જોવા મળે છે. તેમના મતે, બધા દેવો અને સંતોનાં દર્શન કરવાની તક મળે ત્યારે અંતરમાં દિવ્યતાની અનુભૂતિ થાય છે.
'કથા-પ્રવચન સાંભળવાનો લાભ મળ્યો'.
સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડતાલ ધામ ખાતે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે છેલ્લો દિવસ છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમો સાથે આ મહોત્સવ ધામધૂમથી ઊજવાઇ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ