


સુરેન્દ્રનગર/ ગાંધીનગર, 5 નવેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા અને ઝાલાવાડની ધીંગી ધરા સુરેન્દ્રનગર ખાતે નવનીયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. સુરેન્દ્રનગર જીલ્લાના કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માને રૂડો આવકાર આપ્યો અને ભવ્ય બાઇક રેલી થકી અભિવાદન સમારોહ સ્થળે પહોંચ્યા હતા. કાર્યકર્તાઓએ નવનીયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં જીલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં દરેક બુથમાંથી ખેડૂતભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નવનીયુકત પ્રદેશ અધ્યક્ષને સરકારની વિવિઘ યોજનાઓની બુક થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા એ કાર્યકર્તાઓને માર્ગદર્શન પાઠવતા પહેલા સાધુ-સંતોના ચરણોમાં વંદન કર્યા અને જીલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહને જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું કે, રાજયમાં આજે ખેડૂતોના માથે દુખનો અંબાર હોવા છતા જીલ્લાના ખેડૂતોએ, પશુપાલકોએ ખૂબ સ્નેહભર્યો મીઠો આવકાર આપ્યો છે તે બદલ હ્રદયથી વંદન. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકને નુકશાન થયુ છે ત્યારે આજે અભિવાદનનો કાર્યક્રમ પહેલા ખેડૂતોને મળવાનો કાર્યક્રમ યોજવા જણાવ્યું હતું. આજે કાર્યક્રમમાં પહોંચતા પહેલા ખેડૂતોની વેદના સાંભળવાની તક મળી અને આજે ખેડૂતોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે કે ખેડૂતોની પડખે ભાજપ સરકાર છે.
જગદીશભાઇ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, પૃથ્વીમાં કુદરતથી મોટુ કોઇ નથી આપણને તારસે તોય કુદરત..આજે કમોસમી વરસાદને કારણે રાજયના ખેડૂતોના પાકમા ઘણુ નુકશાન થયુ છે. રાજયના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો પણ ખેડૂતોની વચ્ચે તેમના દુખમાં સહભાગી થયા અને ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો આજે હું સુરેન્દ્રનગરના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા પહેલા ખેડૂતોને મળી તેમના વેદના સાંભળી અને તેમને આદરણીય વડાપ્રધાનનો આભાર વ્યકત કર્યો કારણ કે પહેલા એક પાક લઇ નોહતા શકતા આજે ત્રણ ત્રણ પાક લઇ શકીએ છીએ. 50 મણ કપાસ નોહતો થતો આજે 300 મણ થી 500 મણ કપાસ થઇ શકે છે. ખેડૂતોએ પ્રધાનમંત્રી જન ઘન યોજના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માન્યો કે અમારે ખાતર,કે બિયારણ માટે કોઇના પાસે હાથ લાંબો કરવો નથી પડતો. આજે 70 વર્ષીય વડિલ ખેડૂતોને મળ્યો ત્યારે મને કહ્યુ કે કોઇ પાર્ટીનો પ્રમુખ અમારા ખેતરમાં અમારા ખભે હાથ મુકીને કહે કે ચિંતા ન કરશો, ભાજપની સરકાર તમારી સાથે છે, તમારા દુખમાં ભારતીય જનતા પાર્ટી હમેંશા સાથે છે તેવી કહેવા આવનાર ભાજપ પહેલી પાર્ટી છે.
જગદીશભાઇ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, નાના – નાના વેપારી-કારીગરો દ્વારા ઉત્પાદીત થયેલી વસ્તુના વેહચાણ માટે તેમના બ્રાન્ડએમ્બેસડર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બન્યા છે. દેશ- વિદેશની ઘરતી પર આજે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. ગુજરાતીમાં એક કહેવત છે સુરેન્દ્રનગર જીલ્લાનુ પાટડી એટલે સોનાની હાટડી આ કહેવતને સાચા અર્થમા સાકાર કરે તે ગુજરાતી. આપણા લોકલાડિલા નેતા અને વૈશ્વિક નેતા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણા ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આપ્યો છે. સૌની યોજના થકી આપણુ પાણી સૌરાષ્ટ્રની ઘરતીને પહોંચાડવાનુ સફળ કામ આપણા ગુજરાતના એન્જિનયરો તેમજ તેમને બળ અને હિંમત આપવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે.
જગદીશભાઇએ અન્ય રાજકીય પાર્ટી પર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે, હમણા કેટલાય લોકો ખેડૂતોના મસીહા બનવા નીકળી પડયા છે. અત્યાર સુઘી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, જેઓ પોતાનુ દિલ્હી સાચવી શકયા નથી,પોતાનુ પંજાબ સાચવી શક્યા નથી અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે, મારા ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહી કરે અને ક્યારેય ગુજરાતમાં તમને ફાવવા નહી દે. ગુજરાતના ખેડૂતોનો મીજાજ હજી સુઘી તેમનો જોયો નથી. તમારા કાર્યક્રમમાં તમારે બહારથી સંખ્યા લાવી પડે છે અમારે ત્યા સંખ્યા સ્વયંભુ પધારે છે. દિલ્હીની પ્રજાએ જેમ જાકારો આપ્યો છે તેમ આવનાર દિવસમાં પંજાબની જનતા પણ તમને જાકારો આપશે. પંજાબની અંદર અતિવૃષ્ટી થઇ ત્યારે ભાજપના નેતાઓએ પંજાબમાં જઇ જાહેર સભા નોહતી કરી,પંજાબના લોકોની લાગણી દુભાઇ તેવુ કામ નથી કર્યુ. હું આભાર માનુ છું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો,ભાજપના કાર્યકર્તાઓનો કે પંજાબમાં અતિવૃષ્ટીના કપરા સમયે અંદાજે 22 બોગી અને 700 ટન કરતા વધુ માલસામાન પંજાબની જનતા માટે મોકલી લોકોની મદદ કરી.
કોંગ્રેસના નેતાઓ કહે છે કે નેપાળ વાળી થશે તો તમે તમારૂ ઘર સાચવો, તમારા ઘરની અંદર નેપાળ વાળી થઇ રહી છે, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનુ કામ ન કરશો. ગુજરાતની જનતાને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પર સંપુર્ણ ભરોસો છે. રાજયની સરકાર ખેડૂતો માટે ચિંતિત છે, કમોસમી વરસાદમાં ખેડૂતોને જે નુકશાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોની સાથે છે. રેવડીના વચનો આપીને ગુજરાતની પ્રજાની શાંતી હણવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. કોંગ્રેસની સરકારમાં લાભાર્થીઓને પુરી સહાય પહોંચી ન હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ લાભાર્થીઓના ખાતામા સિઘા રૂપિયા જમા કરાવે છે વચ્ચે કોઇ વચેટિયો નહી. આંતકવાદીઓએ કાશ્મિરમાં જે કૃત્ય કર્યુ હતું તેનો વળતો જવાબ આપણા વડાપ્રધાન ઓપરેશન સિંદુર થકી આપ્યો. આપણી સેનાના જવાનોએ ગણતરીની મીનીટોમા જ આંતકવાદીઓના સેન્ટરનો નાશ કર્યો. કપરા સમયમાં ગુજરાતના એક પણ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે સતત સંપર્કમાં છે.
આ કાર્યક્રમમાં મંત્રીઓ કુવરજીભાઇ બાવળીયા, પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ. ચદુભાઇ શિહોરા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોષી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા, પુર્વ મંત્રી અને વરિષ્ઠનેતા આઇ.કે.જાડેજા, ધવલભાઇ દવે, રૂત્વીજભાઇ પટેલ, સંદિપભાઇ, ગૌતમભાઇ ગેડીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઇ પટેલ, ઘારાસભ્યઓ સહિત પ્રદેશ તેમજ જીલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ